આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરકમ્મા :
 


નારી કહે છે કે, કેફમાં ચકચૂર બની, અશ્વના તંગડા ખેંચી જુધ્ધે ન ચડનારાને હું મારો દેહ શી રીતે રંગરાગમાં આપું ! પણ એ તો આ જન્મ પૂરતી કઠણાઈ ! આવતે ભવે ય કાંઈ નિર્વ્યસનીને નિરાંત છે ! —

પરભાતે જેણે ના પિયા
ઘાટા કસુંબા ઘૂંટ,
તે નર સરજે ઊંટ
વેરાગીને બારણે.

એવો જરી પરિહાસ : ને તુરત પાછી અમલમાં છકેલા પિયુની લાલ ચટક ચકચૂર આંખોને કબૂતરની રાતી આંખો જોડે સરખાવતી, અને તીર સમી પાધરી કહી બિરદાવતી કામિનીની ઉક્તિ :—

પારેવાં જીં રત્તીયું
સર જી પાંસરીયું,
ઘાટે કસુંબે ઘુંટીયું
વાલમજી અખીયું.

કાઠિયાવાડી ને કચ્છી, બેઉ બોલીની ગૂંથણી કરીને એ બેઉ પ્રદેશોને સાંકળતી આ વાર્તાનો ઉઠાવ કરવો. અને પછી એવા દાયરામાં ચૂપચાપ અને ગૂમશાન બેઠેલ પેલા ચીંથરેહાલ કચ્છી પાત્રની નિંદરવિહોણી રાત આવે : સૌ ઊંઘે છે. એ જાગે છે. નીંદર કાં ન આવે ?

નીંદર કોને કોને ન આવે ? બોલો દુહો :

નીંદર ના’વે ત્રણ જણાં
કહો સખિ ! કિયાં ?
પ્રીતવછોયાં, બહુરણાં, ,
ખટકે  વેર હિયાં.

તો આ પુરુષ એ ત્રણમાંનો કિયો છે ? કોઇ પ્રીતવિછોયો–પ્રેમભગ્ન છે ? કોઈ બહુરણો–મોટો કરજદાર છે ? ના, ના, એ તો ત્રીજી જાતનો છે : ‘ખટકે વેર હિયાં’—એને હૈયે મોટાં વેર ખટકી રહેલ છે.