આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
 

 પછી રાતે એ ટાઢે ધ્રૂજતા પુરુષે ઘરની અંદર જઈને શું જોયું ? જોઈ એક નારી–પણ કેવી ? ટાંકો સુશીલા સોરઠીઆણીનું દુહાચિત્ર –

લંબવેણી, લજ્જા ઘણી.
પોંચે પાતળિયાં;
આછે સાંયે નિપાવિયાં
કો કો કામણિયાં.

આછે (અચ્છે) સાંયે અર્થાત ભલા ભગવાને કોઈક કોઈક જ નીપજાવી છે તે પૈકીની એક કામની.

પીતળ સરખી પીંડિયું
હીંગળા સરીખા હાથ;
નવરો  દિનોનાથ,
(તેદી) પંડ બનાવી પૂતળી.

આગળીઆં ફળીઆં જસી
દાડમ કળીઆં દંત,
સ્ત્રોન મેં રેખા સારખી
વીજળીમાં વ્રળકંત.

એવી સૂતેલ સુંદરીને–પોતાના આશ્રયદાતાની ઘરવાળીને ‘મા–બહેન’ તુલ્ય માની, ફક્ત પલભર દેહની ટાઢ ઉડાડવા માટે એ કંગાલ એના ખાલી પડખામાં સૂઇ ગયો હશે, પ્રભાત સુધી ઘારણ વળી ગયું હશે, રાતમાં પોતાની ધેનુઓને પહર લઈ ગયેલો એ ઢોલીઆના ખાલી પડખાનો ખરો હક્કદાર ધણી પ્રભાતે પાછો આવ્યો હશે, પરપુરુષને ઘરનારી સાથે પડેલો જોઈને એને શું થયું હશે ! કેવો પ્રકોપ ?

ફરકંત ભુજ, થરકંત અંગ
અરૂ રોમરાઈ ઉલટે ઉભંગ

બસ, એ જ ચરણો, કોઈક વાર્તાકારની વાણીમાંથી યાદ રહ્યાં છે.