આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
પરકમ્મા :
 


એ મહેણાથી ચૂડી ફગાવી દઈને ખીમો લડાઈમાં ઊતર્યો, હાર્યો, પકડાયો. એની આંખો સીવી લીધી. પછી બાદશાહે દમણને પાલટવા ચડાઇ કરી. તેમાં ખીમા વાજાને સાથે લઈ જઈ ત્યાં વોરી મુસલમાન પરણાવી હતી. એના વંશના હજી પણ વોરા વાજા કહેવાય છે. એના વહાણમાં ભીલ કોળી લડવૈયા હતા. શઢના કૂવા ઉપર માતા ચામુંડાનું ત્રિશૂળ હતું.

એના ભીલ લડવૈયામાં ઉગો ને હામો એ બે નામો જાણીતાં છે. ઉગાને ફિરંગીઓએ ચણ્યો હતો દમણના કોટમાં, હામાની બેડીઓ બૂટ માને પ્રતાપે ગળી. બંદીખાનું તોડીને ભાગ્યો, એક કૂવાથંભ વગરના વહાણમાં ચડી જઈ એ વહાણ હાંકી કોટડે આવ્યો હતો.

રાડું અને જોડો

આવી આવી ચાંચિયા બહાદુરોની વાતો એ રાત્રિએ હેઠા કોટડા ગામના એક ભીલ ગામેતીએ – જેને ઘેર ઉતારો હતો – તેણે મૃત્યુકાળ નજીક હતો તેવા દિવસોમાં, હોકો પી પીને શરીર કાંટે રાખીને સંભળાવી હતી. પણ એ સર્વ વીરતાને સામે પલ્લે નીચેની એક જ વાત હું ઊંચા કોટડાના ભૈરવી ખડક પરથી મગજમાં લઈને ઊતર્યો હતો—

ખડક પર ગામની વચ્ચે, દેવી ચામુંડાનાં ફળાંની નજીક જ એક ચુનાબંધ ચણેલ ઓટો હતો. એ જોઇને મેં પૂછ્યું ‘આ શું છે ?’ લોકોએ મને જવાબ દીધો—

‘વે’લાંની વેળામાં, આંઇ એક પરદેશી ટોપીવાળો આવેલો. એણે આવીને બીજું કાંઈ ન કર્યું, પણ એક ધૂડનો ધફ્ફો બનાવી, તેના પર એક રાડું ખોડી, એ રાડા ઉપર પોતાનું એક પગરખું ભરાવ્યું, ને મૂંગો મૂંગો બસ ચાલ્યો જ ગયો. પાંચ વરસે એ પાછો આવ્યો, તપાસ્યું તો પોતે ગોઠવેલ પગરખું, રાડાની ટોચે બરોબર જેમનું તેમ છે ! બસ, ચુપચાપ પાછો ઊતરી ગયો, ને થોડા જ