આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૧૯૧
 


જોધો માણેક ને રામજીભા આવ્યા. નીચેથી જિલ્લાવાસી જેરામભાને સાદ કર્યો : ‘જેરામભા, તું ઊતરી જા.’

જેરામભા જવાબ વાળે છે : ‘ના જોધા માણેક ! ન ઊતરું. તું બે હજારની ફોજ લાવીને કિલ્લો ભલે જીતી લે. બાકી તો હું ઊતરી રહ્યો.’

જોધો :–જેરામભા, હું તને શરમાવવા આવ્યો છું. પછી વેળા નહિ રહે.

રામજીભા :–જેરામ, હવે હુજત ન કર.

જેરામભા :–જોધાભા, આંઈ મુંકે હકડી બાંયધરી ડિનાં ?’ [તમે મને એક બાંહ્યધરી દેશો ?’]

‘કુરો ?’ [શું ?]

‘કે કિલ્લામાંના કોઈ પણ આદમી પર અવાજ ન કરવો. બધાને સલામત ચાલ્યા જવા દેવા.’

જેરામભાએ જઈ સિપાઈઓને કહ્યું, ‘હવે બચી શકાશે નહિ. વાઘેરો કાપી નાંખશે. કિલ્લો છોડવો પડશે. ચાલો તમને હું સલામત બહાર કાઢી જાઉં.

સિપાહીઓને લઇને ચુપચાપ નીકળી ગયો. શંખા તળાવની પાસે પહોંચતાં તો બીજા વાઘેરો આડા ફર્યા. કહે કે એક ધીંગાણું તો અમે કરશું; કેમકે આ સિપાહીઓએ અમારા એક આદમીને માર્યો છે.

જેરામભાએ આડો લીંટો કરીને કહ્યું :‘ જો આ લીંટો વળોટીને તમે આવો તો તમને જોધા માણેકની આણ ! રણછોડરાયજીની આણ !’

બસ થઈ ગયું. લોહીના તરસ્યા વાઘેરો પાછા વળી ગયા. જઈને તેઓએ જોધા માણેકને વાત કરી. જોધો શું કહે છે !

‘હે ભેંણે કુત્તાઓ ! હી કુરો કરેતા ! ભજી વિનો.’ (હે કૂતરાઓ ! આ શું કરો છો તમે ? ભાગી જાવ.)