આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
પરકમ્મા :
 


કાળ-નાટકનાં આ દસ્તાવેજી પાનાં તો ઉકલો વાચકો ! પોતડીદાસ વેપારી ભાટીઆઓની જવાંમર્દી બોલે છે, સર્વસહિયારી સિપાહીગીરીના બોલ. જેરામભાને વાઘેરઘેર્યા કિલ્લા પર કપાસીઆના દીવા સાથે પહેરેગીરી કરતો, ‘ખબરદાર !’ શબ્દે રાત્રિનાં તિમિર કમ્પાવતો કલ્પો; ‘કિલ્લો નહિ સોંપું, કિલ્લેથી નહિ ઊતરું, પ્રાણ વહાલા નથી, ઈજ્જત વહાલી છે, જોઇએ તો જીતીને કબજે કર જોધા !’ એ શબ્દો એક હીંગતોળના છે. છેવટે કિલ્લો છોડવાની કબૂલાત આપે છે, પણ કેવી શર્તે ? પોતાના શબ્દના ઇતબાર પર જેઓ અણખૂટ્યા ઊભા હતા તે સર્વ કિલ્લેદારોનો વાળ પણ વાંકો ન થવો જોઈએ એવી શર્તે.

તેની સામે વાઘેરોની નીતિ નિહાળો : પોતાના જણનો જાન લેનારા સિપાહીઓમાંથી એક જાનના બદલામાં પાંચપચાસના પ્રાણ માગવાની, કે વગરપૂછે શરણાગતો પર તૂટી પડવાની અર્વાચીન યુદ્ધક્રૂરતા ત્યાં નહોતી. માગણી તો હતી ‘એક ધીંગાણું’ કરી લેવાની : સામી છાતીએ આવી જવાની.

આડો એક ધૂળ–લીંટો થાય છે; સરદારનાં ને પ્રભુનાં બે સમોવડ મનાતાં નામોની દુહાઈ દેવાય છે; રક્તપિપાસુઓ પાછા વળી જાય છે. ઓ માનવીઓ ! સરખાવો તો ખરા, ને પછી કહો, પૈસાને-બસ ફક્ત પૈસાને માટે જ ગાયકવાડની કુમકે પહોંચનાર વિદેશી મંદિર-ભંજકોનાં બેશુમાર દળકટકમાંથી એક જણ નીસરણીએ ચડ્યો તેના કીર્તિલેખ છાજે ? કે આ જોધાનો ? જેરામભાનો ? રામજીભાનો ? કે આ દુહાઈનો ધૂળ–લીંટો ભાળી પાછા વળી જનાર સાધારણ વાઘેર યોદ્ધાઓનો ?

ખેર, રતનશીભાની સાહેદીને અજવાળે આપણે આગળ ચાલીએ. શસ્ત્રસરંજામવિહોણા રંક વાઘેરોના બળવાનો ભયાનક અંજામ ચોથે જ દહાડે આવી ઊભો રહે છે ! ટાંચણ બોલે છે કે—