આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૨૦૫
 


તેની શરમ અને વેદના સોરઠી લોકજીભેથી વારંવાર ગવાતી રહી છે. ધ્વનિ એકજ ઊઠે છે કે ભાઈ, આપણે સામસામા ભરી પીત; પણ આ પરદેશી ગોરાને શીદ આપણા બેઉનાં નખ્ખોદ વાળવા બેલાવ્યો ? ઓગણીસમી સદીના સોરઠી ઇતિહાસગાનનું એ ધ્રુવપદ બન્યું છે. ગોરી ફોજોથી કે એનાં મહાસંહારક શસ્ત્રસાધનોથી ડરવા ગભરાવાની કે શેહમાં અંજાવાની તો આ મુકાબલામાં મરતે મરતે પણ વાત નહોતી કોઈ વ્યક્તિને. હરએક નાનામોટા બહાદુરે ગોરાની સામે મર્દાઇનો પડકાર જ દીધો છે. એ પડકારના પડઘા સોરઠી કવિતાસાહિત્યમાં પડ્યા છે. મરણાન્તે પણ ગોરાને શરણે ન જવાનો મુદ્દો સચવાયો છે. ગોરામાં મર્દાનગી કે ખેલદિલીનું આરોપણ કોઈ ઠેકાણે થયું નથી. ‘ગોરો બાપડો શું કરી નાખવાનો હતો !’ અને ‘ગોરાને શરણે ગયા તો લ્યાનત હજો !’ એ બે તેમના યુદ્ધબોલ હતા. ગોરો ફાવ્યો તે તો ઘરના કુસંપથી, કાવાદાવાથી અને સંહારસામગ્રીની સરસાઇથી, એ તેમની નિશ્ચલ માન્યતા હતી. એ દૃષ્ટિએ સોરઠનું જૂનું માનસ નિરોગી હતું. ગોરો ન ઊતર્યો હોત તો વ્યવસ્થા કોણ સ્થાપત, વિદ્યા કોણ વિસ્તારત ને રેલગાડી તારટપાલ કોણ ચલાવત, એ અહોભાવના પડદા હેઠળ છુપાઈ રહેલી હિચકારી આત્મવંચના તો તે પછીની નવી પેઢીની પેદાશ છે.

ખડ વાઢનારા

ટાંચણ–પાનું માળીઆના મિંયાણાની એક વધુ વાત આપે છે—

મિંયાણો પરબત જેડો માળીઆનો ગરીબ માણસ હતો. અબુબકર નામનો કોઈ વડોદરાનો માણસ પણ માળીઆમાં રહેતો. બન્ને ગરીબ મિત્રો ઘાસની ગાંસડી વાઢવા સીમમાં રોજ જાય. પાછા આવતી વખત થાકે ત્યારે ગાંસડી નીચે મૂકીને પરબત બોલે કે ‘ભાઈ, ભારી કે પાણ ઉપાડુ અંઈ, હણે પાણ હન મથે વિયે. હન પાંજા ઘોડા.’ (અત્યાર સુધી આપણે ભારીને ઉપાડી છે, તો હવે આપણે એને માથે બેસીએ. આ આપણા ઘોડા કહેવાય.)