આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૧૩
 



અમૃતલાલભાઇ શેઠ સાથેનો એ મોટરમાં શરૂ કરેલો પ્રવાસ, લોકલ બોર્ડમાં શેઠ પ્રેસિડેન્ટ હતા. પોતાની સાથે મને પણ પાંચાળ જોવા લીધો. વર્ણન પણ મેં મોટરિયું જ માંડ્યું છે—

અણીઆળી, કેરીઆ, ધારપીપળા, સાંગણપુર, લોયા, નાગડકા, ચોરવીરા, ભડલા, નોલી, સાંગોઈ. ગંગાજળ, ગોરૈયા… ગામ પછી ગામ. અને એ ગામોનાં નામો સામે ટૂંકી નોધો છે–

‘—ગરાસીઆ વિલાસી, નિરૂદ્યમી.’

—કાઠીઓ ગરીબ, વિનયશીલ.

—કાઠીઓ તોફાની, વસ્તીને સંતાપનારા.

—નિશાળની જગ્યા પણ ન આપે.

—…વગેરે કાઠી : ડાંખરા, બદમાશ : સ્ત્રીઓને પાણીનો ત્રાસ, કઠોડો જાહલ. નિશાળ સારી.

—કાઠી સારા, પાણીનું દુ:ખ.

—ઊભી દાઢીવાળા સતજુગીઆ કાઠી, વિસામણ ભગતનો પીપળો. પનીહારીઓ કહે કે ‘પાણી આંઇ કેમ ખૂટે ? આંઇ તો વીસામણ ભગતનો પીપળો છે. ખબર છે ?’



ઝેરની બીક

ઓરી નામના ગામનો પ્રસંગ, જેમાં હીંગોળગઢેથી જસદણ દરબાર સાહેબ પણ અમારી સાથે થયા હતા, તેનું ટાંચણ રસભર્યું છે–

‘અમરાભાઈ તથા તેના બાપ રૂખડભાઇ, ભોળીઆ : જુની રખાવટ : ડીલ ઉપર લોહી હિલોળા લ્યે : હાથખેડ કરે. જસદણ દરબાર સાહેબ માટે ચા—

‘અમરા, પેલો તું પી, પછી હું પીઉં, પછી બાપો પીએ.’

સમજાય છે ? બાપદીકરાએ પોતે પકાવેલી ચાનું આખું તપેલું ત્યાં આણ્યું, પહેલું છાલિયું બુઢ્ઢા કાઠીએ પોતાના જોધાર પુત્રને પાયું, પછી પોતે પીધું, ને પછી જસદણ દરબાર સાહેબને એજ તપેલામાંથી કપ ભરીને આપ્યો.