આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૧૯
 

 ધીરીધીરી ઉષ્મા આપતો એ દિવસો ખેંચતો હશે. તો શું એને ખબર નહિ રહી હોય ને જોબન ફૂલવંતીમાં સળવળી ઊઠ્યું હશે ! એકલવાસી યૌવના પિયુને પોતાના ઉરની વાત મુખેથી શું કહી નહિ શકી હોય ? કે શું એ આઠ વર્ષના વચગાળામાં સ્ત્રીનો હૃદયભાવ જુદે રસ્તે વહ્યો હશે ? પોતાના પાલક પોષક પ્રત્યે વલ્લભની નહિ પણ વડીલની લાગણી પોષાયે ગઈ હશે ? એ લાગણીને વશ બનેલું કન્યા–હૃદય, પોતાનો જોબનમહોર બેઠા પછી ય ટૌકાર નહિ કરી શકતું હોય તેથી જ શું રીસાળુએ ‘વાર છે ! હજુ વાર છે !’ એવી ભ્રમણા સેવે રાખી હશે ?

બન્ને નિર્દોષ

બન્ને અસહાય હશે : બન્ને નિરપરાધી હશે. તું મારી પરણેતર છે : હું તારો કંથ છું : તારા જોબનના પ્રથમ મલ્લાર–સ્વરની જ વાટ જોઉં છું : એવી ચોખવટ નહિ કરનારો રીસાળુ કોઈક સુહાગી પલ પર પહોંચીને નિજ સુંદરીને વિસ્મયના પ્રેમ–પછેડામાં લપેટી લેવાની ધીરગંભીર પ્રતીક્ષા કરતો હશે અને બીજી બાજુએ ઘનપલ્લવ અટવીની નિતાંત એકલતા વચ્ચે ઊછરતી કિશોરી, પોતાને રોજ પ્રભાતે એકલદંડીઆમાં મૂકીને સંસારની ગડમથલમાં ચાલ્યા જતા આ એકાકી માનવીનું આકર્ષણ હારી બેઠી હશે. યૌવન છાનુંમાનું આવીને રોમેરોમે લપાઈ ગયું હશે – અને એકલદંડીઆની નીચે થઈને નીકળ્યો હશે હઠીઓ વણઝારો.

વણઝારાનું આકર્ષણ

‘વણઝારો’ શબ્દ જેવો લાગે છે તેવો સાદો ને નીરસ નથી. એકલદંડીઆને જરૂખે બેઠેલી ફૂલવંતીના પ્રથમ યૌવનને જેણે મઘમઘાવી દીધું, તે હઠીઆની પોતાની જુવાની કેવી હશે ! મારા ટાંચણની અંદર જ એની સાહેદી પડી છે. તાંબુલ : તાંબુલની પિચકારી : હીંડોળાખાટેથી મારી તે છેક ઘુમ્મટને રંગી રહેલી પિચકારી : એ ઘણું ભાખી આપે