આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૩૧
 


કાપડું, એમાં યે પાછું મોરાકૃતિનું હીર–ભરત છાતી માથે : એ મોરલા ઝળકું કરે ને નયણાંનાં ભમ્મર ઢળકું કરે ! વાહ રે સોરઠી સજણાં !

એવાં સ્વજનની પ્રણયઝૂરતી સૂરત પણ નથી વિસરાઈ—

સાજણ સેજે દૂબળાં, લોક જાણે ઘર ભૂખ !
સમદર જેવડી સારણ્યું, અને ડુંગર જેવડાં દુઃખ.

ડુંગર જેવડાં દુ:ખ તે કેને દાખિયેં ?
રદાની વાતું અમે રદામાં રાખિયેં.

પીપળ પાન ગૂંગળાં … … … … … … … …
ચૂડ કે’ સાજણ સેજે દૂબળાં, લોક જાણે ઘર ભૂખ.

સ્વજન શાથી દૂબળાં દેખાય છે ! લોકો માને છે કે ઘરમાં ખાવા અન્ન નથી. પણ ખરી રીતે તો હૃદયમાં સમુદ્ર જેટલી ઉંડી સરણીઓ પડી ગઈ છે ને ડુંગર જેવડાં દુ:ખો છુપાયાં છે. પણ એ કોને દેખાડીએ ? એ તો રુદામાં જ રાખીએ.

ગુપ્ત અંતસ્તાપની ગોઠડી કહી નાખી. અને આખરે તો સજણાં ઘડી બઘડીના મીટ–મેળાપ કરીને વહાણે ચડી ગયાં—

વાટ જૂની ને પગ નવો, ચંગો ને માડુજાય !
પકડ હૈયા ! કર પંખડી એનો મીટડીએ મેળો થાય.

મીટડીએ મેળો થાય તે ઘડી બે ઘડી,
વાલીડાં સાજણ ગ્યાં વા’ણે ચડી.

આમાંના કેટલાંક મુક્તકો ખંડિત છે ને છેલ્લો તો ફક્ત બે જ ચરણોનો અધૂરો ટુકડો ટાંચણમાં છે–

સાજણ એવા કીજિયેં, જેવી ગેંડાની ઢાલ,
ઓખી પડ્યે આડી દઈએં, તે અંગને ના’વે આલ !