આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૪૭
 


જેઠો રાવળ

એક લાંબી લોકકથાના સ્તંભો છે આ. (દાદાજીની વાતો : વાર્તા પહેલી : મનસાગરો) એ વાર્તાઓ કહેનાર માણસની મુખાકૃતિ, હાવભાવ, નીચું જોઇને અર્ધમીંચેલી આંખે પ્રવાહબદ્ધ વાર્તા કરવાની બાળવૃદ્ધરંજક છટા, વાર્તા કહેતાં કહેતાં પરિપૂર્ણ આત્મવિસ્મૃતિ : એક વાર કહે, બે વાર કહે, ગમે તેટલી વાર કહે – એક શબ્દ પણ ખડે નહિ એવી તો કંઠસ્થ : અવાજ ઊંચોનીચો થાય નહિ, એકધારો સ્વર અનાડમ્બરી છટાથી વહ્યા કરે. નહિ વચ્ચે કોઇ વ્યસનની આદત, નહિ આડીઅવળી વાત કરવી, નહિ પલનો પણ પોરો આ વાર્તાઓની જ બનેલી એની દુનિયા હતી. સાચી જીવનસૃષ્ટિમાં જાણે એ શ્વાસ લેતો નહોતો, ચાય રાણપુરમાં ધોળાંકૂલ વસ્ત્રે મળે, ચાય પાંચાળમાં ચોમાસે ભિંજાયેલો લદબદ લૂગડે ભેટે : અણિયાળીનો જેઠો રાવળ એનો એ જ હતો, એકરંગીલો હતો. વિક્રમની વાતો, મનસાગરા અને બધસાગરાની વાતો, એ બધી અદ્‌ભૂતરસિક વાતો એ એનું સમગ્ર જગત હતું. એની પાસેથી કરી કાઢેલાં, ઉપર મૂકેલ છે તેના જેવાં ટુંકાંટચ ટાંચણમાંની દાદાજીની વાતો લખી, ને આજે અઢાર–વીસ વર્ષે, છેક જર્જરિત બની ગયેલાં ન્યુસપ્રિન્ટનાં પતાકડાં પર એની પાસેથી ટપકાવેલા વાર્તા–મુદ્દાઓને બેસારી બેસારી, હમણાં ‘રંગ છે બારોટ !’ ની વાત લખી-પ્રકટ કરી છે. અણિયાળીનો જેઠો રાવળ મરી ગયો છે. કાઠીઓનો વહીવંચો હતો. આ લોકકથાઓમાં જે પ્રાસંગિક વર્ણન–છટા જુઓ છો તે તેની છે.

બારોટનું વિશ્વવર્ણન

પણ પાનાં ફરે છે, અને જેઠા રાવળની જીભથી ટપકતું ગયું તેમ તેમ એ ઝડપ કરીને ઉતારેલું એક વિચિત્ર વિશ્વવર્ણન નીકળી પડે છે–

ચૌદચાળો કચ્છ
નવલખો હાલાર