આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:ટાંચણનાં પાનાં
૪૭
 

પરથી શિલ્પીએ પૂતળી સરજાવી હતી. પૂતળી-ઘેલા રાજાને મનાવવામાં નિષ્ફળ ગયેલો મિત્ર મનસાગરો એ પૂતળીની માનવપ્રતિકૃતિની શોધે ચડે છે. મણિધર સાપને મારી મણિ લઈ વાવમાં ઊતરે છે. ત્યાં તો વાવનાં નીર મણિને પ્રતાપે ઊંડા ને ઊંડા ઊતરે છે.

પણ પછી શું ?

પછી એ વાવને તળિયે શું કોઈ મહેલાત આવતી હશે ? ત્યાં કોઈ સુંદરી સાંપડી હશે ? વાર્તા ગુમાવી !

‘ઓળીપો’ની વાર્તાનાં બીજ

મેરોનું બાપોદર ગામ.
બાપ કચરો મેર, દીકરો નથુ ને એની રૂપાળી ગુણિયલ વહુ.
વહુ ગાર-ગોરમટી બહુ સારી કરે.
પાડોશીને ઈર્ષ્યા આવે.
પાડોશીઓએ પિયરિયે જઇને ભરાવ્યું કે તમારી દીકરીને તો બહુ કામ કરાવે છે !
સાતમઆઠમ-વહુ પિયર જાય.
પોતાની સાસુને કહે : ‘ફૂઇ, નથુને મારે પિયર જરૂર મોકલજે હો. નીકર મારી સાતમ નૈં સધરે.’
સાસરાને: ‘મામા, નથુને મોકલજે હો ?’
પિયરે ગઈ–માવતરે ના પાડી [પાછી મોકલવાની].
સાસરાને બોલાવી લખણું કરાવી લીધું.
કહે કે બીજે પરણાવીએ.
દીકરી કહે કે ન પરણું.
નદીએ ધોવા ગઇ, ડૂબી મૂઇ.

રસધારના વાચકોને યાદ આવી જશે ‘ઓળીપો’–ચોથા ખંડમાંની વાર્તા. એ વાર્તાનાં આટલાં જ અસ્થિ મારી ટાંચણપોથીમાંથી મળે છે. પણ એ અસ્થિ કેવળ એકલી ‘ઓળીપો’ની વાર્તાનાં નથી, એ તો મારા છ–સાત વર્ષના શૈશવથી માંડીને ૨૮-૩૦ ના યૌવન સુધીના, રાજકોટથી ગોધરા સુધીના જીવન-પટને અજવાળતું એક ટાંચણ છે.