આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૫૫
 

 ઝીણી આંખો, સફેદ કપડાં, ઝાડને ગુંદર ઝરે તેમ આંખોમાંથી ઝીણાં જળ ટપકે.

કહ્યું કે ‘પાલરવ ગઢવી ! તમે પોતે જ ‘શામળાના દુહા’ રચનારા પાલરવ ?’

‘અરે બાપા ! કહ્યા છે શામળાના દુહા. આ જોવોને બાપા ! ઇ તો એમ ભણ્યું બાપા, કે–

ભગવંત ભલા જોગ;
(કે’નાય) ભૂંડામાં ભગવંત નૈં;
(પોતાનાં) સુ-કરતાંનો સંજોગ
પ્રાપ્રેવુ પાલો ભણે.

( અર્થ–ભગવાન તો ભલું જ કરનાર છે. કોઇનાં બુરામાં ભગવાન નથી. અને પોતપોતાનાં સુકૃત્યને યોગ્ય જ સૌને પ્રાપ્તિ થાય છે, એમ પાલો (પાલરવ) કહે છે.

એમ પ્રારંભ કરીને આ બુઢ્ઢા પાલરવે, હાથમાં નાનકડી લોઢાની સૂડી હતી તે ઊંચી ને નીચી, આજુ ને બાજુ ઘુમાવતાં ધુમાવતાં, પાસાબંધી કેડિયાની ચૂડીદાર બાંયોમાં ચપોચપ પાતળિયા હાથે અભિનય કરતે કરતે, ઈશ્વરને સાક્ષાત લાડ લડાવતા હોય તેવી ચેષ્ટા કરતે કરતે, અને પોતે જે બોલી રહેલ છે તે તો શંકારહિત ત્રિકાલાબાધિત અને પાકું પ્રમાણી જોયેલું સત્ય હોય એવી ખાતરીના તોરમાં શામળાના દુહા અર્થાત ઇશ્વરને સંબોધેલાં કડીબંધ દુહા–સુભાષિતો ચાલુ કર્યાં–

વાગ્યાની તમને વગત
ઝાંઝર કીડીનાં જે;
દૈવ ! ધાઉં દેતે
સુણતા નથી શામળા !’

પછી અર્થ કરે – કહ્યું એમ બાપુ, કે હે દૈવ ! હે શામળા !