આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૮૩
 

છું. એક આંખમાં આંસુ ને બીજીમાં હાસ્ય ભરતાં મોંઘીબાનું સુરેખ ચિત્ર આંકતો ‘લાલજી’નો ટૂચકો મારા આ ટાંચણમાં પડ્યો છે. એક હતી કણબણ ને એક હતી બામણી. બેઉ પાડોશી. કણબણ વસ્તારી ને બામણી વિધવા.

કણબણના ઘરમાં-દીકરાના દીકરા, દીકરીની દીકરી, દુઝાણું ને વાઝાણું, ખેતર ને પાદર. પણ ધરમમાં જીવ. સવારમાં ઊઠીને નાઈ ધોઈ લ્યે ને કામકાજ કરતી રામરામ કહેતી જાય.

એક દાડે બામણી આવી: બેન, બેન, હું જાઉં છું ગામતરે, ને મારા આ લાલજીને ( બાળકૃષ્ણની મૂર્તિને ) તારા ટાંકામાં બેસારતી જાઉં છું. ભલી થઈને મારા લાલજીને રોજ ઘીનો દીવો કરજે, ને સાકરની કટકી ધરાવજે.

કણબણે તો સવાર પડ્યું એટલે ટાંકા આગળ જઈને લાલજીને કહ્યું કે ‘લાલિયા ! બેટા ! મારા છોકરા છે વઢકણ, તું તારે ખાઈ પીને ગોખલામાં ગરી જા. પછી કોઇ તારું નામ ન લ્યે બેટા.’

લાલજી નાના બાળક બની નીચે ઊતરી કણબણને કહ્યે ખાઈ પી લેતા ને પછી ટાંકામાં ચડી છાનામાના બેસી જતા.

બામણી ગામતરેથી પાછી વળી. લાલજીની મૂર્તિ પાછી લેવા આવી. પૂછ્યું ‘કાં બેન, સાકર ધરાવતી'તીને?’

કણબણ કહે કે ‘બેન ! તારો લાલજી તો બહુ ડાહ્યો. કહ્યા ભેળો રોજ હેઠે ઊતરી ખાઈ કરીને છાનોમાનો ગોખલામાં બેસી રહે.

બામણી તો સાંભળીને ઝંખવાણી પડી : કે બાઈ, મારી રંડવાળની મશ્કરી કરછ ?

કે બાપુ, મશ્કરી શાની ?

કે ત્યારે શું મારી મૂર્તિ ખાતી’તી ?

કે રૂડો રૂપાળો પેટ ભરી લે’તો બાપુ.

લે બાઈ ! ખવરાવ જોઉં !

કે’ લાલિયા, બેટા, હેઠો ઊતર ને ખાઈ લે.

મૂર્તિ ન ઊતરી.