આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
પરકમ્મા :
 


વાર્તા માંડી. મોરલી પર નાગ ડોલે એમ નાથજી વાર્તામાં લીન થવા લાગ્યા. ખરો રસ જામ્યો ત્યારે નાથજીએ પ્રસન્ન થઈ વરસાભાઈ ચારણના વાંસા માથે હાથ મૂકી ‘જીતા રહે વરસડા, જીતા રહે.’ એમ કહેવા માંડ્યું. બે ત્રણ વાર આમ વાંસો થાબાડ્યો, ત્યારે વરસાભાઈ વાત બંધ રાખીને બોલ્યા : “બાવાજી, જીતા રહે, જીતા રહે કરો છો, પણ કોઈ અમર છે ? બ્રહ્માનો પણ કોઈ કાળે અંત છે. તો હું અમર ક્યાંથી થાઉં ? અને આવી સ્થિતિમાં અમર થાઉં તો પણ શું ! બીજું કાંઈ કહેતા નથી ને જીતા રહે જીતા રહે કહો છો, એમાં મારું શું વળ્યું !”

‘ક્યું વરસડા ! તેરે કુછ ઇચ્છા હે ? હો તો કહે દે.’

વરસોભાઈ મુંઝાણાં. એને ત્રણે રખડુ ને ઉખડેલ દીકરા યાદ આવ્યા. એણે કહ્યું. ‘મારા પર તો દરબારની કૃપા છે. મારે તો જે એક બે પછેડી ફાડવી હશે એ સુખમાં ફાડીશ પણ આ મારા છોકરાનું શું થશે ? તેનું કાંઈક કરો.’

‘યું વરસડા ? તેરી ઇચ્છા એસી હે? તો લે આવ લડકે કો.’

વરસોભાઈ તો દોડી નીકળ્યા. ઘેર તો છોકરા હોય શાના ? પૂછતાં પૂછતાં ભાદરકાંઠે હોવાના વાવડ મળ્યા. વરસોભાઈ હાંફતા હાંફતા ત્યાં પહોંચ્યા. એને જોઈ બે છોકરા તો ભાગી ગયા. સૌથી મોટા લાખણશી દૂર ઉભા રહ્યા. બાપે કહ્યું ‘આ લે, સાકર આપું.’

ગળપણનો શોખીન બાળક પાસે આવ્યો એટલે બાપે ફાળીઆને વળ દઈ ગાળીઓ કરી રાખેલ તે લાખણશીની ડોકમાં નાખી દીધે. દીકરાએ ગાળો દેવા માંડી, પાટુ મારવા માંડી. અનેક તોફાન કરવાનું આદર્યું. ગળામાં પડેલી પછેડી ફાડી નાખી, છૂટવા બહુ મથ્યો પણ ફાવ્યો નહિ. છોકરાને ઘસડતા ઘસડતા વરસોભાઈ તુલસીનાથજી પાસે લઈ ગયા.

પોતે તૈયાર કરાવી રાખી હતી તે ભાંગની અંજલી ભરીને નાથજીએ લાખણશી સામે જોઈ કહ્યું, ‘લે બેટા, પી જા.’