આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અસ્થિર મનોદશાઃ ૯૩
 

પડેલી જ રહી હશે. એક ક્ષણ તેણે વ્યોમેશ તરફ જોયું, પરંતુ આ સભ્ય ગૃહસ્થ ખાસ કરીને પોતાની નજર મંજરી ઉપર ન પડે એવી કાળજી રાખતા જણાયા. મંજરીના સામી તેમની નજર હતી જ નહિ.

'અડકું છું તે નથી ગમતું ?' વેલીએ પિતાને જવાબ આપવાને બદલે મંજરીને પ્રશ્ન પૂછ્યો.

જવાબમાં મંજરીને સહજ હસવું આવ્યું. અને વેલીને તેણે પોતાની સોડમાં વધારે દબાવી. વેલીને સ્વર્ગ મળ્યું હોય એમ લાગ્યું. પિતાની ફરિયાદ ખોટી હોવાનો વગર બોલ્યે પુરાવો મળ્યો.

થોડી વારમાં મંજરી ઘેર જવા માટે ઊઠી. બાળકોને જ નહિ પણ વ્યોમેશચંદ્રને પણ તેના જવાનો વિચાર અણગમતો થઈ પડ્યો. ઘવાયલા બાળકે મંજરીને જતી જોઈ પૂછ્યું :

'હવે તમે નહિ આવો?'

ખરા મનથી ઉચ્ચારેલાં બાળકોનાં વાક્યો પાછળ કેટલું બળ રહેલું છે તેની બાળકોને ખબર પડતી નથી. દુઃખીને તે ખડખડાટ હસાવી શકે છે : પથ્થર જેવા હૃદયને પિગળાવી નાખી નયનો દ્વારા તેને આંસુ રૂપે વહેવરાવી દે છે. જગતમાં બાળક ન હોત તો માનવી પશુ કરતાં પણ નીચલી ભૂમિકાએ હોત. વગર સમજ્યે, વગર જાણ્યે હૃદય ઉપર સામ્રાજ્ય ભોગવતાં બાળકો હૃદયને અણધારી ગતિ આપે છે.

'ના ભાઈ ! હું આવીશ હો ' કહી મંજરીએ વ્યોમેશચંદ્રની હાજરીમાં ઉચ્ચારેલાં ગણ્યાગાંઠયા વાક્યોમાં ઉમેરો કર્યો.

‘ત્યારે તમે જાઓ જ નહિ તો ?' વેલીએ આગ્રહમાં વધારો કર્યો.

મંજરી ફરી હસી.

‘તમે લોકો કાયર નહિ કરો.' કહી વ્યોમેશચંદ્રે મંજરીને જવા માટે સૂચન કર્યું.

મંજરી એક માણસ સાથે ઘેર પાછી આવી.