આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પૈસાની શોધઃ ૯૯
 


ભારે બંગલાનો ઠાઠ જોઈ સનાતનને હસવું આવ્યું. તેને વિચાર આવ્યો કે ચિતરંજનને આ બધું ઓળખાણ ક્યાંથી હશે ? એ વિચિત્ર માણસની વિચિત્રતામાં તેને ઘણો જ વધારો થતો લાગ્યો.

બંગલામાં જઈ તેણે ચિઠ્ઠી આપી. ચિઠ્ઠીનું માન પણ ઘણું જ હોય એમ જણાયું. સનાતનને તરત જ અંદર બોલાવવામાં આવ્યો.

માલિકને જોઈ સનાતનને લાગ્યું કે પૈસો સાથેસાથે આવું કદરૂપાપણું લાવતો હોય તો તે બિલકુલ ન જોઈએ.

‘તમને ચિતરંજને મોકલ્યા ?' બંગલાના માલિકે પૂછ્યું.

'હા. જી.'

'તમે ગ્રેજ્યુએટ છો, ખરું ?' તેમણે પૂછ્યું. તેના પૂછવા પાછળ રહેલો દમામ સનાતનને ગમ્યો નહિ. એટલે તેણે હા કહી પતાવ્યું.

શેઠ પોતે ગ્રેજ્યુએટ નહોતો, છતાં ગ્રેજ્યુએટો તેની પાસે નોકરી અર્થે આવે છે એ ગૌરવ તેઓ કદી ભૂલી શકતા નહિ. મદનલાલ શેઠ પાસે અઢળક પૈસો હતો. તેમના દાદાએ મુંબઈ આવી, પોતાની આવડત અને અક્કલનો ઉપયોગ કરી, નાની સરખી ગુમાસ્તાગીરીમાંથી આગળ વધી, સારી આબરૂ અને મિલકત સંપાદન કર્યા હતાં. મદનલાલના પિતાએ પણ, પોતાના પિતાને પગલે ચાલી મિલકત અને આબરૂ સાચવી રાખ્યાં; એટલું જ નહિ પણ તેમાં ઘણો વધારો કર્યો. ચાર મિલો ધમધોકાર ચાલતી હતી. બીજી આવડતોમાં અને લેણદેણમાં પોતાની શાહુકારીને બાધ ન આવે એવી રીતે પ્રમાણિક ગણાઈ તેઓ મિલકત વધાર્યે ગયા.

છતાં એક વાતનું તેમને ઓછું આવતું. શેઠશાહુકારો અને વેપારી મંડળમાં તેમનું માન અતિશય સચવાતું, પરંતુ સરકારી નોકરો આગળ તેમનું જોઈએ તેવું માન રહેતું નહિ એમ તેમને લાગ્યા કરતું. ગવર્નર પાર્ટીઓમાં તેમને આમંત્રણ થતાં, પરંતુ અંગ્રેજ કાઉન્સીલરો અને ન્યાયાધીશો આગળ તેમને દબાઈ જવું પડતું. કોઈ પણ સારા કામમાં ફાળો ભરાવવો હોય ત્યારે બહુ જ મીઠાશથી અમલદારો તેમને ઘેર જઈ, અતિશય વિવેક વાપરી, તેમની પાસેથી સારી રકમ કઢાવતા; પરંતુ કોઈ સભામાં અમલદારને આગળ બેસાડવા માટે પોતાની ખુરશી ખાલી કરી આપવાનો વિવેક કરવો પડતો ત્યારે તેમના જીવને ઘણું જ દુઃખ થતું. પોતે ધારે તો એક અમલદારને પણ પોતાનો પગારદાર નોકર બનાવી શકે એટલું ધન તેમની પાસે હતું. પરંતુ તેમ છતાં કોઈ બસો-પાંચસોનો પગાર પામતા પોલીસ અમલદારના ઉપયોગ માટે પોતાનાં વાહનો મોકલવા પડતાં ત્યારે તેમને એમ થઈ આવતું કે પોતે આટલા ધનના માલિક ન હોત