આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
કુસુમાવલિ

જોઈ હસે મુજ આંખ, ઠરે મુજે આત્મન,
પ્રેમની ભરતી ચઢે;
દાખવ દેવી ! ઓ ! ભાખ સખી !
મુજ વલ્લભ એ કોણ? ક્યાંહી જડે ?
નાનાલાલ

કુસુમાવલિ બહુ રંગીલી હતી. તે પણ ધનવાન પિતાની પુત્રી હતી. ધન જોઈને મદનલાલની સાથે તેને પરણાવી હતી. કુસુમાવલિને વાંચવાનો ઘણો જ શોખ હતો. અંગ્રેજી નવલકથાઓ વાંચી શકે એટલો અંગ્રેજી અભ્યાસ તેણે કર્યો હતો. અંગ્રેજી તેમ જ ગુજરાતી વર્તમાનપત્રો નિયમિત રીતે તે વાંચતી. સારા ભાષણકારોને સાંભળવા સભાઓમાં પણ તે જતી, અને કોઈ દરખાસ્તને ટેકો આપવા જેટલું સભામાં બોલવાની પણ હિંમત કરતી.

વળી તેના શોખનો પાર નહોતો. કપડાંના રંગ તે જાતે જ પસંદ કરતી. પહેરવાની ઢબમાં હંમેશા કાંઈ અવનવું હોય જ. વાળ પણ જુદી જુદી લઢણના હોળતી. કબજાના કાપ પણ તેના દેહને ઓપે એવા પોતાની નવીનવી શૈલી પ્રમાણે તે કાઢતી. ઘરેણાં આછાં; પણ અતિશય મૂલ્યવાન અને જોનારની નજરે ચઢે એવી રીતે પહેરતી. રૂપગર્વિતાનાં સઘળાં લક્ષણો તેનામાં હતાં. પોતે સામા ઉપર પ્રભાવ પાડી શકતી હતી એમ તે બરાબર જાણતી હતી, અને ખરેખર સ્ત્રીઓ અને પુરુષો તેની છટાથી અંજાઈ જતાં.

વાતચીતમાં પણ તે એટલી જ દક્ષ હતી. તેનામાં સંકોચ ઘણો જ ઓછો થઈ ગયો હતો, અને જે કાંઈ સંકોચ તેનામાં દેખાતો તે તેની આકર્ષક શક્તિને વધારે છે એમ તે જાણતી ન હોત તો તે સંકોચ ભાગ્યે રહ્યો હોત. તે ઘણી વાચાળ હતી. તે હસી તેમજ હસાવી શકતી.

મોટરમાં તે નિયમિત ફરવા જતી. નાટક બધાં જ તેના જોયા વગર સફળ થતાં નહિ. સર્કસ અને સિનેમા તો જોયા વગર ચાલે જ નહિ. સાથે સાથે સારા સંગીતની પણ તે શોખીન હતી. તેને ગાતાં બહુ આવડતું નહિ,