આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪ : પત્રલાલસા
 

કરતી કુસુમે જોયું તો શેઠ એક યુવકની સાથે વાતો કરતા બેઠા હતા. તે સહજ શરમાઈ. તેને ખાતરી જ હતી કે તેની શરમાવાની પદ્ધતિ અલૌકિક છે, અને તે સર્વનાં મન ખેંચે એવી છે. શેઠની પાસે મૂકેલી ખુરશી ઉપર તે બેસી ગઈ.

‘ચિતરંજન તરફથી ચિઠ્ઠી લઈ આ યુવાન ગૃહસ્થ આવેલા છે.' મદનલાલે કુસુમને કહ્યું. 'તેઓ ઊંચા પ્રકારના ગ્રેજ્યુએટ છે, અને ઘણાં સંસ્કારી છે એમ તેમનું લખવું છે.'

‘એમ કે?' કહી કુસુમે માત્ર સુંદર રીતે આંખ જ ફેરવી સનાતન સામું જોયું. સનાતને વિવેકથી નમસ્કાર કર્યા તે અત્યંત છટાથી કુસુમે ઝીલ્યા.

'મારે તો અત્યારે ગયા વગર ચાલે એમ નથી. ગવર્નર સાહેબે ખાસ મને બોલાવ્યો છે. માટે તું જ એમની સાથે વાતચીત કરી લે. મિ. સનાતન ! સેક્રેટરી મારે નથી જોઈતો, મારી પત્નીને જોઈએ છે. તેમની ભલામણ હશે તો હું જરૂર તમને મારે ત્યાં કામ કરવાની તક આપીશ. ચિતરંજને ભલામણ કરી છે એટલે વાંધો તો નથી જ.'

એમ કહી મદનલાલ જવા માટે ઊઠ્યા. કુસુમે ફરી કહ્યું :

'નહિ જાઓ તો નહિ ચાલે ?'

'ગવર્નરસાહેબે બોલાવ્યો છે પછી ચાલે ?' મદનલાલે જણાવ્યું.

'ગવર્નરને કોઈ ના પાડતું જ નહિ હોય ?' કુસુમે પૂછ્યું.

સનાતનને આશ્ચર્ય લાગ્યું. આવી ચબરાક સ્ત્રીને જોઈને તે વિસ્મય પામ્યો. પરંતુ મદનલાલ તો સહજ હસી ઊઠ્યા, અને તેમણે 'જલદી આવીશ' કહી ચાલવા માંડ્યું.

કુસુમ સહજ બેસી રહી. પછી તેણે સનાતન તરફ ફરી પૂછ્યું :

'આપનું નામ ?'

'જી, મારું નામ સનાતન !'

'આપને સાહિત્યનો શોખ છે ?' કુસુમે પૂછ્યું.

'કૉલેજમાં એ જ મારો વિષય હતો.'

'મારે ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યનો આગળ અભ્યાસ કરવો છે.'

‘મારાથી બનશે તે સહાય કરીશ. આપ એક વખત મને જણાવો કે આપનો અભ્યાસ ક્યાં સુધી છે ?' સનાતને જણાવ્યું.

'અંગ્રેજી નૉવેલો વાંચું છે. ગુજરાતી પણ સારી રીતે વાંચું છે. પણ કોઈ હવે સાથે વાંચનાર હોય તો વધારે ગમે. કલાપી અને ખાસ કરીને નાનાલાલ