આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કુસુમાવલિઃ ૧૦૭
 


'હુંયે મૂર્ખી છું ને? કેટલી વારથી હું ત્રાસ આપ્યા કરું છું? પણ તમારી શીખવવાની ઢબ મને એટલી બધી ગમી કે મને ભાન પણ રહ્યું નહિ કે તમારા ઘરનાં માણસો તમારે માટે ખોટી થતાં હશે !'

'નહિ જી ! એમાં કાંઈ નહિ. મારે માટે રાહ જોનાર કોઈ જ નથી એટલે તે વિષે હરકત નથી.' સનાતને જવાબ આપ્યો.

‘તમે અત્યારે એકલા જ રહો છો?' કુસુમે પૂછ્યું.

'હા, જી. હું એકલો જ રહું છું. ઘણી વખત ચિતરંજનની પાસે પણ રહું છું.' સનાતને જવાબ આપ્યો.

'ત્યારે બધાંને ક્યારે બોલાવશો ?’ વાતોડી કુસુમ અણધારી અંગત બાબત તરફ વળી.

સનાતન હસ્યો. કુસુમ સહજ ખમચી. સનાતનનું સુંદર હાસ્ય તે જોઈ રહી.

'કેમ હસો છો? હું ધારું છું કે તમારાં લગ્ન તો થયા જ હશે ?' કુસુમે પૂછ્યું. તેનાથી સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યા વગર રહેવાયું નહિ.