આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪ : પત્રલાલસા
 


સ્ત્રીઓને સનાતન કદી અડક્યો નહોતો. તેને ભારે ડર લાગ્યો. મોટરમાં કુસુમની સાથે જ બેસવું પડશે તો શું થશે ? એ વિચારથી જ તે સંકોચાઈ ગયો. મોટરમાં બેસવા માટે અમુક જાતનું માનસિક વલણ જોઈએ : જગત તરફ તિરસ્કાર અને તોછડાઈ; પગે ચાલનાર તરફ દમામ અને દબદબા ભરેલી દયાવૃત્તિ; હવે બીજું કાંઈ જ દુનિયામાં મેળવવા જેવું રહ્યું નથી એવી માન્યતાવાળો સંતોષ; હાથ અને પગનો સુખમય વિસ્તાર; અને સાથે સ્ત્રી હોય તો કોઈની ટીકાને ન ગણકારતું છટેલપણું ? આટલાં વાનાની તૈયારી સિવાય મોટરમાં બેસી શકાતું નથી. આવું વાતાવરણ મોટર ઉત્પન્ન કરે છે કે કેમ એ પ્રશ્ન વિવાદગ્રસ્ત હશે, પરંતુ મોટરમાં બેસનાર સર્વને જોઈ સનાતનને એવો જ ખ્યાલ આવતો.

છતાં તેનાથી ના પાડી શકાઈ નહિ. મોટર આવતાં કુસુમ બહુ જ છટાથી અંદર બેસી ગઈ. દુઃખમાં આવી પડેલો સનાતન શૉફરની સાથે બેસવા ગયો, તેની આવી અતિશય સરળતા જોઈ કુસુમને હસવું આવ્યું. વિવેકી અને શરમાળ માણસો પોતાને માટે ખરાબમાં ખરાબ જગા પસંદ કરે છે, અને સારું સ્થાન બીજાઓ માટે રહેવા દે છે.

'ત્યાં ક્યાં બેસો છો ? અહીં આવો ને !' હસતી હસતી કુસુમ સનાતનની મુશ્કેલી વધારવા લાગી. મોટરમાં બેસવાથી ફેર આવે છે એવું બહાનું નીકળી શકતું હોત તો સનાતન જરૂર તેમ કહેત. પણ હવે તેનાથી કાંઈ જ બોલાય એમ નહોતું. કુસુમની સાથે તે બેસી ગયો.

બેઠકની પોણાભાગની જગા કુસુમ અને તેનાં સુશોભિત વસ્ત્રોએ રોકી દીધી હતી. બેઠકની એક બાજુએ, કિનારી ઉપર, અઢલ્યા સિવાય ટટારપણે બેઠેલા સનાતનને લઈ મોટર ઊપડી. કુસુમનાં લૂગડાંનો ઊડતો ભાગ એને અડકતાં સનાતન ચમકી ઊઠતો. માલિકની સ્વતંત્રતા, શોખીનની સરળતા, અને મસ્તીખોરના સ્વચ્છંદથી બેઠેલી, મોટરથી ટેવાઈ ગયેલી કુસુમના હાથપગ ક્વચિત્ સનાતનને અડતા અને તે વધારે ચમકી ઊઠતો. કુસુમે સનાતનની અસ્વસ્થતા પારખી લીધી. નવવધૂની વિચિત્રતા ઉપર હસતી કોઈ મોટી સાહેલીની માફક કુસુમને હસવું આવતું. છેવટે તેનાથી રહેવાયું નહિ અને તે ખડખડાટ હસી પડી. સનાતન ઝંખવાણો પડી ગયો. તેને કોઈ પણ પૂછવાનો સમય મળે તે પહેલાં તો ચાલતી મોટરે સનાતનનો હાથ પકડી, ખભો પકડી તેની મરજી વિરુદ્ધ ગાદીએ અઢેલી શકાય એમ તેને બેસાડી દીધો.

હસતે હસતે બેસાડતાં કુસુમ બોલી :

'અરે તમે તે કેવા માણસ છો ? મોટરમાં આમ બેસાતું હશે? કોઈ તમને ખાઈ જવાનું નથી. આમ આરામથી બેસી ને ?'