આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિણીત મંજરી : ૧૧૭
 

વાચા ઊડી ગઈ હતી. તેની આંખનું તેજ ઓછું થતું હતું. કોઈની સોબત તેને ગમતી જ નહિ. લક્ષ્મીએ મંજરીની માનીતી થવા ઘણો પ્રયત્ન કરવા માંડ્યો. તેની પાસે બેસે, જમવાનો આગ્રહ કરે, ગાડીમાં ફરવા જવા સૂચના કરે, ઘરનાં ઘરેણાં-લૂગડાંનું વર્ણન આપે, વ્યોમેશચંદ્રના સ્વભાવનાં વખાણ કરે, તેના રૂપની અને આવડતની પ્રશંસા કરે. પરંતુ મંજરીમાં કશી પણ વાત ઉત્સાહ પ્રેરતી નહિ.

'મોટા મોટા સાહેબો અને ગોરાઓ પણ ભાઈને સલામો કરે છે.'

મંજરીને વ્યોમેશચંદ્રનું મહત્ત્વ સમજાવવા લક્ષ્મીએ પ્રયત્ન કર્યો.

'એક વખત મુંબઈ જતાં ગાડીમાં બે ગોરા સોલ્જરો આવ્યા. ભાઈને કહ્યું કે ઊતરી જાઓ. ભાઈ એમ માને ખરા કે ? એમણે તો ચોખ્ખી ના પાડી. સાહેબોએ તો ધમકી આપવા માંડી, પણ એમણે તો કાંઈ જવાબ આપ્યો નહિ. છેવટે સાહેબે એક પોટલું ફેંકી દેવા માંડ્યું. એટલે તો પછી પૂછવું જ શું ? એકદમ ભાઈએ પિસ્તોલ કાઢી સાહેબ સામે ધરી. પેલા બંને ભૂરિયા ગભરાઈને ઊતરી ગયા. આ છોકરીના માં તે વખતે જીવતાં હતાં.'

મંજરીને આ બહાદુરી ઉપર કાંઈ મોહ થયો હોય એમ લાગ્યું નહિ. તેણે નીચું જોઈ રાખ્યું.