આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨ : પત્રલાલસા
 

એ હાથ ખસેડવાનો પ્રયત્ન પણ તેણે કર્યો નહિ, પરંતુ તેની છાતી રૂંધાઈ ગઈ; તેની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં.

વ્યોમેશે એ આંસુ નિહાળ્યાં, વ્યોમેશચંદ્ર પતિ હતો. રાક્ષસ નહોતો, રાક્ષસ પણ પતિ તરીકે કુમળા બની શકે છે. મંજરીનાં આંસુ વ્યોમેશને ગમ્યાં નહિ. મંજરીના રુદને તેના હૃદયમાં અનુકંપા ઉપજાવી.

'મંજરી ! તું કેમ રડે છે ? છાની રહી જા. અહીં નથી ગમતું ?' વ્યોમેશચંદ્રે તેની આંખ લૂછવામાં સહાય કરતાં પૂછ્યું.

આવી સરળતાથી, આવી દયાથી પોતાનાં આંસુ લૂછનાર પતિને શું તેણે એમ કહેવું કે ત્યાં ગમતું નહોતું ! રડવાનું કારણ આવી મમતાથી પૂછનારને શું તેણે એમ જવાબ આપવો કે તેની સાથે તે પરણી, માટે તેને રડવું પડ્યું ?

મંજરીએ વ્યોમેશને આંસુ લૂછવા દીધાં. છતાં તે રડ્યે જ ગઈ. તેને લાગ્યું કે તે વ્યોમેશને પણ અન્યાય કરતી હતી. અને સનાતનને પણ અન્યાય કરતી હતી; આવી સ્થિતિમાં તે રડે નહિ તો બીજું શું કરે ?

રડતાં આંસુ ખૂટે છે. મંજરી જરા છાની રહી એટલે વ્યોમેશચંદ્રે ફરી પૂછ્યું :

'મંજરી ! તને શું થાય છે ? આટલો બધો અણગમો કેમ ?'

મંજરીને લાગ્યું કે વ્યોમેશચંદ્ર અસંસ્કારી તો નહોતો જ. મંજરી ઉપર ગુસ્સે થવાને બદલે તેઓ સૌમ્ય વર્તન રાખતા હતા. પરંતુ મંજરીની વાચા તો બંધ જ હતી.

'મેં તો કંઈક આશાઓ રાખી હતી. તારા જેવી સંસ્કારી અને સ્વરૂપવાન પત્ની મને મળી તે હું મારું સૌભાગ્ય માનતો હતો - હજીયે તેમ માનું છું, પણ તું તો આમ અતડી રહે છે જાણે પારકું ઘર હોય એમ સંકોચમાં જ રહે છે !'

વ્યોમેશચંદ્રે વિનવણી કરી. વિનવણી કરતાં કરતાં તેમણે પોતાનો હાથ મંજરીને ખભેથી ખસેડી વાંસે મૂક્યો, અને ધીરે ધીરે હાથ ફેરવવા માંડ્યો.

મંજરીએ ઘણી વાર્તાઓ વાંચી હતી. પતિપત્નીના રસમય સંવાદો પણ તેમાં વાંચ્યા હતા. તેની કલ્પના પણ જાણેઅજાણ્યે આવા રસભર સંવાદો ક્વચિત્ સંભળાવતી. આ તો તેણે પ્રત્યક્ષ અને સ્પષ્ટ રીતે પ્રેમ વ્યક્ત કરતાં પતિને જોયો અને સાંભળ્યો.

'મંજરી ! હું તારો છું અને આ ઘરે તારું છે, સમજી?'