આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬ : પત્રલાલસા
 

હિલચાલનો અભ્યાસ કર્યો. એક વાત કદી સમજાતી ન હતી કે દરરોજ ટપાલીનો સાદ સાંભળી મંજરી કેમ બદલાઈ જતી ? જીવ વગરની, સુસ્ત, ઉદાસ અને અબોલ મંજરીના કર્ણ ઉપર કાગળવાળાની બૂમ પડતાં તે એકદમ ચમકી ઊઠતી, તેના મુખ ઉપર વ્યાકુળતા દેખાતી; તેનામાં કોઈ અવનવું બળ આવતું; અને મુખ ઉપરની ફિક્કાશ ચાલી જઈ સહજ લાલાશ તરી આવતી.

તેને ત્યાં કાગળો દરરોજ આવતા. મંજરીની જાતને લખેલા કાગળો પણ કેટલાક આવતા. છતાં રોજ આ પ્રમાણે ટપાલ વખતે મંજરી આતુર બની જતી. એવું શું કારણ ? કાગળ વાંચીને મંજરી જેમની તેમ પાછી સુસ્ત બની જતી. કાગળોને ઠેકાણે ન રાખતાં ગમે ત્યાં ફેંકી દેતી. દરકાર વગર ગમે ત્યાં ફેંકાયેલા કાગળો કોઈ વાંચે તેની પણ મંજરીને પરવા ન હતી. લક્ષ્મીએ કેટલીક વખત કાગળો છાનામાના વંચાવ્યા પણ ખરા; પરંતુ આમ નિરાશા પ્રેરતો એક પણ કાગળ લક્ષ્મીના જોવામાં આવ્યો નહિ.

છતાં દરરોજ કાગળ આવતી વખતે મંજરી એવી ને એવી જ ચેષ્ટા કરતી. તે બેઠી હોય તો ચમકી ઊઠતી. કામ કરતી હોય તો અટકી જતી. પુસ્તક વાંચતી હોય તો તેના હાથમાંથી તે પડી જતું. મંજરીને સૂક્ષ્મ રીતે જોનાર જાણી શકે એમ હતું કે કાગળ તેની પાસે આવતાં તેને કોઈ વિચિત્ર અનુભવ થતો.

આજે પણ એમ જ થતું લક્ષ્મીએ ભાળ્યું. વેલીની સાથે ચાલતી રમત કાગળ જોતાં જ તેણે મૂકી દીધી. કાગળ જોવાની તેની વ્યાકુળતા વધી ગઈ. પરંતુ કાગળ તેની પાસે આવતાં જ તેને વાંચ્યા વગર બાજુએ નાખી મંજરી ઉદાસ બની હીંચકે અઢેલીને બેઠી.

'કેમ કાગળ વાંચ્યો નહિ ?' લક્ષ્મીએ પૂછ્યું.

'મારી બહેનપણીનો કાગળ છે. પછી નિરાંતે વાંચીશ.'

'તમે કેમ જાણ્યું કે એ બહેનપણીનો કાગળ છે ?'

'અક્ષર ઉપરથી.'

'કાગળ આવે છે ત્યારે ચમકી ઊઠો છો, પણ હાથમાં આવતાં વાંચતાયે નથી. એનું શું કારણ ?' લક્ષ્મીએ પૂછ્યું.

‘તારે શું કામ છે ?'

'મારે કામ છે. મારાથી તમારું આવું મોં જોવાતું નથી. મને પારકી ન ગણશો. હું તમારી જ છું.’

‘મારે કોણ પારકું પોતાનું હોય !' મંજરીથી બોલાઈ ગયું.