આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મજૂરો:૧૪૧
 


'કાલનો દિવસ હડતાલ બંધ રાખો તો ?' સનાતને પૂછ્યું.

મિસ્ત્રીએ સનાતનની બુદ્ધિનો વિચાર કર્યો; શેઠ અને તેમનાં પત્ની સાથેના સનાતનના સંબંધનો વિચાર કર્યો, આજે જ હમણાં શેઠાણી સનાતનને પોતાની મોટરમાં મૂકવા આવેલાં મિસ્ત્રીએ જોયાં હતાં. સનાતનના કહેવા ઉપર વિશ્વાસ રાખવાનું મિસ્ત્રીને મન થયું.

મિસ્ત્રીનું માન મજૂરવર્ગમાં ઘણું ભારે હતું. જૂના વખતથી પ્રામાણિકપણે કામ કરતા આ કારીગરે મજૂરવર્ગની અનેક ઊથલપાથલો ભાળી હતી. જોરજુલમથી, લાલચથી, ગામડામાંના પકડાઈ આવતા મજૂરોને તેણે જૂની ઢબે કેળવ્યા હતા. શહેરમાં વધારે પગાર મળવાની લાલચે દેખાદેખીથી મિલમાં ઘસડાઈ આવતા મજૂરોની તેણે દયા ખાધી હતી, સારાં કપડાં પહેરવાની ટેવ પાડતા મજૂરોને જોઈ તેણે નિઃશ્વાસ નાખ્યા હતા; નાટકસિનેમા જોવા જતા મજૂરોને તેણે ઘણી શિખામણ દીધી હતી. દારૂની લતમાં પડતા મજૂરોનો તો તે કાળ હતો. તેનું ચાલે ત્યાં સુધી દારૂ પીનારની તે એટલી કફોડી સ્થિતિ કરી મૂકતો કે કાં તો તેવા મજૂરને મિલ છોડવી પડતી, અગર દારૂ છોડવો પડતો. પરંતુ તેમ છતાં દારૂ પીનારા વધ્યે જતા હતા એમ થોડા વખતથી તેણે લાચારી સાથે અનુભવ્યું હતું. અને જ્યારથી સ્ત્રીમજૂરે મિલમાં મજૂરીની શરૂઆત કરી ત્યારથી તો તેણે પોતાને કપાળે હાથ દીધા : મજૂરોને શિખામણ આપવી મૂકી દીધી.

તોય મિસ્ત્રીનું માન ભારે હતું. તેમનો બોલ ઉથામવો અશક્ય હતો. પોતાની જવાબદારી મિસ્ત્રી સારી રીતે સમજતા હતા. તેમણે જરા વિચાર કરી જવાબ આપ્યો :

'ચાલો ત્યારે, કાલે હડતાલ ઉપર લોકો નહિ ઊતરે, હું સમજાવીશ. પણ તે એક શરતે : તમારે શેઠને વાત કરવાની.'

સનાતને હા પાડી અને મિસ્ત્રી જરા ખુશી થઈ ઊઠ્યો.

નાનીશી, ઓછા ભાડાની ઓરડીમાં સગડી સળગાવી સનાતને રસોઈ શરૂ કરી. એકલા માણસને રસોઈ કરવી મુશ્કેલ નથી. ચિતરંજનની સોબત પછી તેને જાતમહેનત માટે માન ઉત્પન્ન થયું હતું. બંધુભાવની બાંગ પોકારવા ઇચ્છનાર યુવકે એકે કામથી કંટાળવું જોઈએ નહિ - રસોઈથી પણ નહિ.

શેઠને કેવી રીતે સમજાવવા તેની યોજના ઘડતો સનાતન પુસ્તક બાજુએ મૂકી આડો પડ્યો. નીચે ચાલના ચૉકમાં મિલમજૂરો ભેગા મળી કંઈક ગાતા સંભળાયા. ગીત પ્રથમ તો ધીમું શરૂ થયું, પરંતુ ધીમે ધીમે તેમાં અવાજ પુરાવા લાગ્યા અને સનાતને સ્પષ્ટ ગીત સાંભળ્યું.