આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
નઠારો વિચાર

છતાં શીખો અગ્નિની ઉપર ચાલવું રે લોલ,
ફૂલે ફૂલે તો ઘડીનું એ ફાલવું રે લોલ.
નાનાલાલ

મદનલાલનું મન આજે ઠેકાણે ન હતું. બધી મિલોમાં હડતાલ પડી ચૂકી હતી. આજે તેમની મિલનો વારો હતો. તેમણે આજે મિલમાં જવાનું પણ માંડી વાળ્યું. હતું. મિલમજૂરોના બે-ત્રણ સ્થળે તોફાનો થઈ ચૂક્યાં હતાં, અને પોલીસને ગોળીબાર કરવાની ધમકી આપવી પડી હતી. એવો પ્રસંગ પોતાની મિલમાં ઊભો થાય એ સંભવિત હતું. મિલના માલિકે પોતાની મોંઘી જાતને જોખમમાં નાખવાનું દુરસ્ત ધાર્યું નહિ. જેમ પૈસાથી બધું જ ભાડે મળે છે તેમ પોતાને માટે મરનાર પણ ભાડે મળે છે એમ મદનલાલ જાણતા હતા, એટલે હડતાલનો પ્રસંગ સાચવી લેવા માટે તેમના બીજા નોકરોની ગોઠવણી ત્યાં હતી જ.

આ મજૂરોએ શા માટે વધારે પગાર માગવા જોઈએ તેની માલિકોને સમજણ પડતી નથી. મુખ્ય ભાગીદારમાંથી એજન્ટ - મુખત્યાર – દલાલ બની તે નામે મિલની માલિકી ભોગવતા ગૃહસ્થો જ્યારે મજૂરોમાં અસંતોષ જુએ છે ત્યારે તેમને તેમાં પેટભરા ચળવળિયાઓનો જ હાથ દેખાય છે. મજૂરો મજૂરી કર્યે જાય : તેમને રીતસર - એટલે બીજે મળતો હોય તે પગાર મળ્યા કરે, રાતપાળીમાં વધારાની રકમ મળે; લાંબો વખત. નોકરી કરે, અને એજન્ટનું લાખો રૂપિયાનું કમિશન પૂરું મળી જાય તો મજૂરોને બોનસ પણ અપાય; મજૂરને અકસ્માત થાય તો તેનાં બૈરાંછોકરાંને માસ બે માસ ચાલે એટલાં નાણાં અપાય; પછી મજૂરોને અસંતોષ શા માટે રહેવો જોઈએ એની સમજ પડવી અગર પાડવી - માલિકો માટે તો બહુ જ મુશ્કેલ છે.

માલિકો દયાળુ પણ હોય છે, પોતા પ્રત્યે નહિ પણ મજૂરો પ્રત્યે પણ. નુકસાનીવાળું કાપડ બીજે ખપતાં વધ્યું હોય તો ઘણી વખત મજૂરોની દયા ખાઈ તેમને વહેંચવાની ઉદારતા તેઓ બતાવે છે, પછી મજૂરોને