આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આશા: ૧૬૩
 

સાંભળવા એકચિત્ત થયાં. મદનલાલના એક મિત્ર અમુક શહેરમાં વસતા હતા. મદનલાલને મુખે એ શહેરનું નામ સાંભળી સનાતન ચમકી ઊઠ્યો. એ જ શહેરમાં તેણે વિદ્યાભ્યાસ કર્યો હતો ! એની મંજરી એ જ શહેરમાં હતી ! મંજરીના વિચારે તેને વિકળ બનાવ્યો. તેણે કાર્યની રૂપરેખા મદનલાલ પાસે આતુરતાથી સાંભળી. ઈનામનું વિષમ પ્રમાણ તે વીસરી ગયો.

'જુઓ, એક મારા મિત્ર મોટા જાગીરદાર છે. એમની જમીનોમાં કપાસનું વાવેતર ઘણું કરાવે છે. એમને પોતાના શહેરમાં જ એક મિલ ઉઘાડવી છે. બહુ દિવસથી તેમનો વિચાર ચાલ્યા કરે છે. ત્યાં આજ ને આજ - રાતમાં જ જાઓ. અને તત્કાળ બધી વિગત નક્કી કરી આવો. હાલનો સમય ખરેખરો અનુકૂળ છે. બેકાર મજૂરો ત્યાં ગોઠવાઈ જશે; મારા મિત્રથી એક મિલ કાઢી શકાશે; અને મજૂરો જતાં અહીંની કેટલીક મિલોમાં તાળાં લાગશે, તથા આપણા વિરુદ્ધની હરીફાઈ તદ્દન ઓછી થઈ જશે.' શેઠ બોલ્યા. તેમની વ્યાપારી યોજનાશક્તિમાં અંગત લાભ સાથે મિત્ર લાભ કરવાની કુશળતાનો વિચાર સહુને વિસ્મય પમાડે એવો હતો. પરંતુ કુસુમ ચમકી. વ્યાપારી કૌશલ્ય સાથે સાંસારિક યુક્તિઓમાં પણ મદનલાલ પાવરધા બની ગયેલા તેને લાગ્યા.

'સનાતનને અહીંથી કાઢવાનો આ રસ્તો હશે શું ?' કુસુમના હૃદયમાં વિચાર ચમક્યો.

'સાહેબ ! આપનો આભાર માનું છું, પરંતુ મને એ બાબતમાં કશી જ ગમ નથી. કોઈ માહિતગાર માણસને મોકલો તો ?' સનાતને કહ્યું.

'માહિતગાર માણસો અંદરથી પોતાનો સ્વાર્થ સાધશે. તમે પ્રામાણિક છો, અને તમને આમ મોકલીશ તો તમને પણ ધંધાની માહિતી થશે, તમને ત્યાં કશી હરકત નહિ પડે. સાથે એક નોકર લઈ જજો.’

'આમ તો એ શહેર મારું જાણીતું છે. બધો અભ્યાસ મેં ત્યાં જ કર્યો હતો. એ ગૃહસ્થનું નામ શું ?'

'વ્યોમેશચંદ્ર. બહુ સારા માણસ છે. તમારા જેવાને એમની સાથે વાત કરતાં જરૂર ફાવશે. મારી માફક એમને પણ તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ બેસશે. કેમ, ખરું ને ?' કહી મદનલાલે કુસુમની સામે જોયું.

કુસુમ કચવાઈ. સનાતન સરખા રસિક વિદ્વાન પુરુષને મિલ જેવા હલકા કામમાં કોઈ નાખે એ તેને સુરુચિનો ભંગ કરવા સરખું લાગ્યું. વળી સનાતન દૂર જાય તો એના અભ્યાસક્રમમાં - તેના વિકાસ પામતા સાહિત્યજીવનમાં ખામી આવવાનો કુસુમને સકારણ ભય ઊપજ્યો. સનાતનને દૂર