આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
અસ્પૃશ્યમિલન

મારે ટકોરે દ્વાર ખુલ્લે કે નહિ ?
તુંને પુકારું શેરીએ યા ના સનમ ?
કલાપી

ઊછળતા હૃદયે સનાતન મુંબઈથી નીકળ્યો. તેનો વખત કેમે કર્યો જાય નહિ. ન વંચાય, ન સુવાય, ન કોઈ સાથે વાતો થાય. આગગાડીને પણ કોણ જાણે શું થયું હતું ! રોજ ઝડપથી દોડનારી ગાડી તે દિવસે કેમ વાર લગાડ્યા કરતી હતી તેની સનાતનને સમજણ પડી નહિ. સુસ્ત ડ્રાઈવર અને રેઢિયાળ ગાર્ડ બંને વચ્ચે ગાડી પણ રમતિયાળ બની ધાર્યા પ્રમાણે આગળ વધતી ન હતી. છેવટે સંધ્યાકાળના અરસામાં ગાડી ધારેલા સ્ટેશને આવી પહોંચી. સનાતન ઝડપથી ઊતર્યો, તેને તેડવા આવેલી ગાડીમાં બેઠો અને જાગીરદાર વ્યોમેશચંદ્રને ત્યાં પહોંચ્યો.

મંજરી બે કલાકથી બારીએ ઊભી રહી હતી. અમુક બનાવો નિશ્ચિત સમયે જ બને છે એમ જાણ્યા છતાં તે વહેલા બનવાની ઈંતેજારી ડહાપણભરી માનવજાત દેખાડે છે એ શું નવાઈ નથી ? પત્ર મળ્યા પછી આખો દિવસ મંજરીને અપાર બેચેની રહી. સનાતન આવવાનો છે એ વાતથી આનંદ પામવાનો અધિકાર નષ્ટ થઈ ગયો હતો તોય તે ગાડીની વાટ જોયા કરતી ઘડી ઘડી બારીએ આવી જતી. છેવટનો કલાક તો મંજરી બારીએથી ખસી જ નહિ.

મંજરી માટેની બે દિવસથી વધી ગયેલી ઝંખના સનાતનના હૃદયમાં ક્ષણે ક્ષણે તીવ્ર બનતી જતી હતી. સ્ટેશને ઊતરતાં જ મંજરી તેની દ્રષ્ટિએ પડશે એવી ઘેલી આશા સેવતો સનાતન વ્યોમેશચંદ્રનું ઘર આવતાં ગાડીમાંથી ઊતર્યો. ઊતરતાં જ તેણે મંજરીને બારીએ ઊભેલી નિહાળી ! તેને અત્યંત આશ્ચર્ય લાગ્યું. મંજરીને અહીં જોવાની ધારણા તેણે રાખી નહોતી. ઘડીભર તેને લાગ્યું કે તેની ઝંખના અને સંધ્યાકાળનો સમય તેને કોઈ અજાણી યુવતીમાં મંજરીનો ભ્રમ ઉપજાવતાં હતાં. પરંતુ તેની એ ધારણા ખોટી પડી. બારીએ ઊભેલ યુવતી મંજરી જ હતી એમ તેની ખાતરી થઈ. વચ્ચે વર્ષ સવા વર્ષનો ગાળો પડ્યો હતો છતાં