આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અસ્પૃશ્ય મિલનઃ ૧૬૯
 

જતી રહે છે.

'... તેમની દીકરી સાથે લગ્ન થયું છે.' નોકરે વાક્ય પૂરું કર્યું. સનાતનની આંખે અંધારાં આવ્યાં. તકિયા ઉપર તે એકાએક આડો પડ્યો અને તેની આંખો મીંચાઈ ગઈ.

‘બાઈસાહેબ પાસે આવવું છે?'

'ના.' ઊંડાણમાંથી સનાતનની વૈખરીએ જવાબ આપ્યો.

'મને પૂછશે તો શું કહું?'

'હમણાં નહિ. પછી કહીશ.'

મીંચેલી આંખો ઉપર તેણે હાથ મૂક્યો.

'આપ જરા થાક ખાઓ.' નોકરે જાણ્યું કે મહેમાનને મુસાફરીનો થાક લાગ્યો હશે.

‘આપ જરા આડા પડો. હું ચા કરી લાવું.' નોકરે કહ્યું. અને આરામની અનુકૂળતા માટે તેણે સનાતનને એકાંત આપ્યું.

પરંતુ એ એકાન્ત અંધકારમય હતું, શૂન્યકારમય હતું. પૃથ્વીથી દૂર ફેંકાયેલા વ્યોમવિહારી કો મુસાફર અવકાશના આકર્ષણ રહિત, મૂર્છા ઉપજાવતા શીત અક્રિય એકાન્ત પટ ઉપર આવી પડે અને આધારરહિતપણું અનુભવે એવી મૂર્છાભરી સ્થિતિ એણે અનુભવી.

ચહાનો પ્યાલો કોઈ તેની પાસે મૂકી ગયું. કલાક પછી નોકરે આવી જોયું તો પ્યાલો એમનો એમ ભરેલો પડ્યો હતો. રાત્રે જમવા માટે બે-ત્રણ માણસો તેને આગ્રહ કરી ગયાં. તેની અતૃપ્તિ ભોજનથી ભાંગે એવી ન હતી. તેણે જમવાની પણ ના પાડી દીધી. તેની તબિયત સારી ન હતી એવી નોકરવર્ગમાં ચર્ચા ચાલી. ઘરના મુનીમે આવી ડૉક્ટર બોલાવવાની સૂચના કરી. કેટલાંક દર્દો ડૉક્ટરોથી મટે એવા હોતા નથી. તેણે દવાની ના પાડી. આ બધું પડછાયાની સૃષ્ટિમાં જાણે બની જ ગયું હોય એમ તેને ભાસ થયો. તેનું હૃદય કોઈ અકથ્ય મૂર્છામાં પડ્યું હતું. ઊંડી ઊંડી તીવ્ર વેદનામાં તે બાહ્ય જગતનું ભાન લગભગ ભૂલી જ ગયો.

વેદના પણ વેઠતે વેઠતે સહ્ય બને છે. પ્રથમ ફટકે આવેલી તેની મૂર્છા વળી. ફટકાના દુઃખનો અનુભવ કરવાની કઠણાશ કુદરત આપોઆપ આપે છે. શૂન્યતામાંથી સનાતન ધીમે ધીમે ભાનમાં ઊંચે આવવા લાગ્યો. તેના આખા જગત ઉપર કાળાશ ફરી વળી હતી. તેની રસવૃત્તિમાં કટુતા વ્યાપી ગઈ હતી, તેના જીવનમાં ઝેર ફેલાઈ ગયું હતું. એટલું જાણવા અને અનુભવવાનું બળ તેનામાં આવ્યું. તેણે આંખ ઉપરથી હાથ ખસેડ્યો, અને