આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અસ્પૃશ્ય મિલન: ૧૭૩
 


‘પત્ર લાલસા આજ સુધી રાખી. પણ તે માટે પૂરતી રાહ ન જોઈ.' મંજરીએ કહ્યું.

સનાતનને લાગ્યું કે તેની પોતાની ભૂલ પણ ઓછી ન હતી. વાયદાની પણ અવધ હોય છે. વાયદો સાંભરે છે એટલું પણ જણાવવાની જરૂર હોય છે. ભૂલ મંજરીની કે તેની ? વળી મંજરીનો રૂદનભર્યો ટહુકો સંભળાયો :

'મેં માની લીધું કે તમને મારી જરૂર નથી.'

'શાથી ?' સનાતને પૂછ્યું.

'લાંબો સમય થાય ! ન પત્ર ! ન ખબર ! હું શું જાણું કે મંજરી વિસરાઈ નહિ હોય ?'

'મંજરી વિસરાય ?'

'કેમ નહિ? હવે વીસરવી જ પડશે ને ?'

'મંજરીને વિચારતાં અનેક મોત જોઈશું.'

‘તેથી શું ?'

બંને જણ થોડી ક્ષણો શાંત રહ્યાં; પરસ્પર સામું જોઈ રહ્યાં. શારીરિક અને માનસિક નિકટતા છતાં અથાગ ઊંડાણવાળી એક સામાજિક ખાઈ બંનેને જુદાં પાડતી હતી, જાણે નદીની સામસામી પાળે વિરહી ચકવો ચકવી પરસ્પરને જોતાં ન હોય !

‘તમે થાકો એટલી રાહ જોવડાવવાની મારી ક્રૂરતા જ બધાંનું મૂળ છે.' સનાતન બોલ્યો. સનાતનને ચોંકાવતો જવાબ મળ્યો.

‘રાહ જોતાં હું ન થાકત. જન્મભર રાહ જોયા કરત, પણ... પણ....'

'કહો, કહો. અધૂરું વાક્ય ન મૂકો.'

'કાંઈ નહિ.'

'સનાતનથી કશું છુપાવશો તો તેના ચિરાયલા હૃદયમાં લૂણ ભર્યા સરખું થશે.'

‘તમે ગમે ત્યાં ફરો છો, પતિત સ્ત્રીઓમાં, ધનિક સ્ત્રીઓનાં સુખ માણો છો એવી ખબર મળી. ખબર કહેનારને મારી કે તમારી સાથે વેર ન હતું. હું શું કરું ! તમને મારી જરૂર નથી એમ જાણ્યું એટલે માબાપને ખુશ કર્યાં.'

સનાતનને બુલબુલ યાદ આવી. કુસુમ યાદ આવી. તેમના સંબંધો શું જગતમાં આવા સ્વરૂપે ઓળખાતા હતા? એમાં જગતનો દોષ પણ શો?

બારણામાં કોઈ પડછાયો દેખાયો. સનાતન સહજ ચમક્યો, પરંતુ