આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
ગજગ્રાહ

દૂર દૂરની કુંજમાં મોર કરે ટહુકાર,
સખી ટહુકારમાં જીવવું મોંઘાં મોર દિદાર.
નાનાલાલ

એકાગ્ર બની ગયેલાં સનાતન અને મંજરીને વ્યોમેશચંદ્ર આવ્યાની ખબર પડે નહિ એ સ્વાભાવિક હતું. મકાન ઘણું મોટું હતું. જાગીરદારની જાહોજલાલી રાતના અવરજવરને નિત્યનો ક્રમ બનાવતી હતી. વ્યોમેશચંદ્ર ઘવાયલી સ્થિતિમાં પાછા ફર્યા એથી થતો વિશેષ ગરબડાટ પરસ્પરના સાનિધ્યમાં અણઓળખાયેલો રહ્યો. બંનેનું માનસ એવી તીવ્ર લાગણીઓ અનુભવતું હતું કે તેમને પ્રત્યક્ષ સમાચાર સંભળાય નહિ ત્યાં સુધી તેમનાથી પરસ્પરને છોડાય એમ નહોતું. ત્રાહિત માનવીની પણ ઘવાયલી સ્થિતિ અન્ય કુમળા ભાવોનું તિરોધાર કરે છે. આજ તો ઘરનો માલિક ઘવાયેલો હતો.

પલંગ ઉપર સૂતેલા વ્યોમેશચંદ્રની મીંચાતી ઊઘડતી આંખ કોઈને ખોળતી હતી. તેમની પાસે નોકરો ઊભા હતા, એક-બે બાળકો ઊભાં હતાં, પરંતુ તેમની વિકળતા શમતી ન હતી. તેમના ઘા ઉપર પાટા બંધાતા હતા. ડૉક્ટર માટે એક માણસ દોડ્યો જ હતો. આવતા બરોબર વ્યોમેશચંદ્રે મંજરીને સંભારી. મંજરી ઉપર જાસૂસી કર્યા કરતી લક્ષ્મી જાણતી હતી કે ઘવાયલી મંજરી પોતાના ઘા રુઝવવા - કે તાજા કરવા મધરાતે ક્યાં ગઈ હતી ? તે મહેમાનના ઓરડા તરફ ગઈ. થોડી વાર ત્યાં છુપાઈને તે ઊભી રહી. બંનેની વાતચીતના આછા ટુકડા તેણે સાંભળ્યા. મંજરીનો સનાતન સાથે નાસી જવાનો નિશ્ચય તેણે સાંભળ્યો એટલે તેણે જાહેર થઈ બધી હકીકત કહી.

સનાતન અને મંજરી બંનેની માનવતાએ પરસ્પરના પ્રેમસંસ્મરણને અટકાવી દીધું. પ્રેમ એ સર્વોત્કૃષ્ટ ભાવ હશે - છે જ. પરંતુ સ્વમાન અને કરૂણાના ભાવો પ્રેમનો પણ ભોગ માગે છે. વ્યોમેશચંદ્રના પલંગ પાસે પહોંચતાં જ બંને પ્રેમીઓને સમજાયું કે વ્યોમેશચંદ્રની વિકળ આંખ