આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
કરાલ નિશ્ચય

અનન્ત સૃજનો થશે.
સખિ ! અન્ત એ ઝીલશું
અનન્ત પદમાં રમન્ત આપણ
અનન્ત યુગ પી જશું.
નાનાલાલ

વ્યોમેશચંદ્રને વાગેલા ઘા રુઝાવા લાગ્યા. પરંતુ સનાતનની ભાળ કોઈને લાગી નહિ. મંજરીએ વ્યોમેશચંદ્રની ઘણી જ સારવાર કરી. માતા કે પત્ની સિવાય આવી સારવાર કોઈથી ન જ થાય એમ ચારે પાસ મંજરીનાં વખાણ તરીકે કહેવાવા માંડ્યું. વ્યોમેશચંદ્ર વારંવાર મંજરીનો આભાર માનતા અને આવી પત્ની તેમને મળી એ માટે ઈશ્વરની કૃપા સમજતા. મંજરી મહેનતથી ન થાકતી, ઉજાગરાથી ન થાકતી. તે વ્યોમેશચંદ્રને દવા પાતી, વ્યોમેશચંદ્રને પાટા બાંધતી અને તેમની રસોઈ પણ જાતે જ કરતી. મંજરીને પોતાને પણ સમજાયું નહિ કે તે આટલી બધી મહેનત વ્યોમેશચંદ્ર માટે કેમ કરતી હતી. લક્ષ્મી પણ ભારે વિચારમાં પડી.

માંદગી અને મૃત્યુ દૂર થાય એટલે માનવહૃદયમાં રસનો આવિર્ભાવ થાય છે. વ્યોમેશચંદ્રની જાગ્રત થતી રસવૃતિ મંજરીના હૃદયને સ્પર્શવા ક્વચિત્ મથતી હતી. એક વખત તેમણે એકલી મંજરીનો હાથ પકડી કહ્યું:

'મંજરી ! મેં તને બરાબર ઓળખી નહિ.'

મંજરીએ હાથ છોડાવ્યો નહિ, પરંતુ તેણે કશો જવાબ આપ્યો નહિ.

એક વખત મંજરીને વાંસે હાથ ફેરવતાં તેમણે કહ્યું :

'મંજરી ! તું ન હોત તો મારાથી જિવાત નહિ.'

ખરે, જીવન અને મૃત્યુનો આધાર કંઈક વખત મર્ત્ય માનવી બની શકે છે. મંજરી વ્યોમેશચંદ્રના બધાય પ્રશ્નોનો ઉત્તર આપતી. માત્ર વ્યોમેશચંદ્રના બોલમાં ભાવ પ્રવેશતો ત્યારે મંજરી શાંત રહેતી. તેણે નિયમો મુજબ કશો જવાબ ન આપ્યો.