આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રેજ્યુએટ થયા પછીઃ ૪૧
 

એકાએક કોઈ અજાણ્યા જેવા લાગતા મુસલમાને આવી ચિતરંજનની સાથે ધીમે રહી વાત કરી :

'રસ્તો બદલો, ખંજર લેઈ ચાર ગુંડાઓ બેઠા છે.'

આટલું બોલી તે ચાલ્યો ગયો અને આનંદ કરતા જતા ટોળામાં તે અદૃશ્ય થઈ ગયો.

ચિતરંજનની આંખો સહજ ચમકી. તે અટક્યો.

'સનાતન ! આ રસ્તે ચાલ જોઈએ.’

પાસે જ એક ગલી હતી, તેમાં સહજ અંધારું હતું, સીધો રસ્તો મૂકી ચિતરંજન અને સનાતન તુરત ગલીમાં વળ્યાં.

‘ગભરાઈશ નહિ હો !' ચિતરંજને કહ્યું. 'આ તો જમપુરી છે. એ જોયા વગર સ્વર્ગે જવાય એમ નથી.' તે હસ્યો.

બંને બોલ્યા વગર આગળ ચાલ્યા. સનાતનના આશ્ચર્યનો પાર ન હતો. શું થાય છે તેની તેને ખબર નહોતી. તેનું હૃદય નિર્બળ બની ગયું હતું. તેને જે રસ્તે દોરે તે રસ્તે જવાને તે પણ તૈયાર હતો. સઘળું ઝગઝગતું દૃશ્ય તેણે પાછળ મૂક્યું. તેની કલ્પનામાં પણ ન આવે એવી વાંકીચૂંકી ગલીઓમાં તેમણે માર્ગ લીધો.

સનાતન મૂંગો મૂંગો ચિતરંજનની પાછળ જતો હતો.