આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિચિત્ર માનવીઓ

દીધું વિધિએ તે પીધું લીધું રૂપ અબધૂત ઘોર,
તોડી જગતના તોર.
ભય ભૂલણી જગજીભ છો ભાખે હવે ભૂંડું
હું એકલો ઊડું.
નાનાલાલ

થરથરતી મેનાની વ્યાકુળતા વધી. રફીકને જરૂર આ ચિતરંજન સળગાવી દેશે એમ તેને લાગ્યું. આટલી હદ સુધી જવા માટે તે તૈયાર નહોતી. તેણે કાંઈ કહેવાનો વિચાર કર્યો.

નોકર તેલ લઈ આવ્યો.

'બોળી દે આ કપડાં.' ચિતરંજને નોકરને હુકમ આપ્યો. મૂંગે મોઢે નોકર આજ્ઞા પ્રમાણે કરવા લાગ્યો.

મેના સહજ આગળ વધી.

'આટલો વખત એને માફ કરો. માણસની હત્યા માથે લેવી સારી નથી.' મેનાએ અતિશય વ્યાકુળતાથી કહ્યું.

'મેના ! તારે વચ્ચે પડવાનું કારણ નથી. તારાથી ન સહેવાય તો અંદર જા. આજે એક નહિ પણ બે હત્યાઓ થવાની છે.' ચિતરંજને કહ્યું.

તેલમાં કપડાં બોળતો નોકર ચમક્યો. મેના અને સનાતન પણ ચમક્યાં. એ જોઈ ચિતરંજને સહજ મોં મલકાવ્યું.

'ચાલ, ઉતાવળ કર.' નોકરને ચિતરંજને આજ્ઞા કરી. 'રફીક પછી તારો વારો છે, સમજ્યો ?'

નોકરના હાથમાં કપડાં પડી ગયાં. તેનું મુખ ફિક્કું પડી ગયું. તેના હોશકોશ ઊડી ગયા. અને ચિતરંજનના પગ આગળ લાંબો થઈ તે પડ્યો.

'સાહેબ ! માફ કરો. હું ગુનો કબૂલ કરું છું.' તે બોલ્યો.

‘તું ગુનો કબૂલ કરે યા ન કરે, તેની મને દરકાર નથી. હું જાણું છું કે રફીકની પાસેથી પૈસા લઈ તું તેને બાતમી આપ્યા કરે છે. ઠીક છે. એ તો અમે બચી ગયા; નહિ તો સનાતનનું કે મારું આજે રફીકને હાથે ખૂન જ