આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બુલબુલનો ભૂતકાળ : ૬૩
 


જગતના શુષ્ક પહાડમાંથી આ દયાનું ઝરણ કેવી રીતે વહી આવ્યું તેનો બુલબુલ વિચાર કરવા લાગી. પરંતુ જગત ઉપર તેને એટલી દાઝ ચડી હતી કે જગતમાં વસતા કોઈપણ પુરુષની દયાનો તે સ્વીકાર કરી શકે એમ નહોતું.

'નાહ્યા પછી ખાઈશ. એટલા માટે ભૂખી છું.' બુલબુલે કહ્યું.

'ઠીક ચાલ, હું લઈ જાઉં.' કહી તે માણસે બુલબુલને આંગળીએ વળગાડી દોરવા માંડી.

જગતના કહેવાતા નીતિમાનોથી આ પાપી સ્ત્રી સામું જોઈ પણ શકાય નહિ, પછી તેનો સ્પર્શ કરી દોરવાની તો વાત જ ક્યાંથી થાય ? બુલબુલને પોતાની જાતનું ભાન થયું, અને કદાચ આ મનુષ્ય નીતિમાન હશે તો પોતાનો સ્પર્શ તેને અપવિત્ર બનાવશે એ વિચારથી તે સંકોચ અનુભવતી આગળ દોરાવા લાગી.

'જો સંધ્યાકાળ પડી ગઈ છે. ભરતી આવવા માંડી છે. હું ઊભો છું અને નાહી લે.'

'ના ના, મારાથી એમ નહિ નવાય. આપ હવે જાઓ. હું નાહીને ધીમે ધીમે આવીશ. આપના દેખતાં હું નાહી શકીશ નહિ.' બુલબુલે તે માણસને ત્યાંથી ખસેડવા પ્રયત્ન કર્યો.'

‘ઠીક, તું ત્યારે રસ્તો હવે ખોળી લેજે, હું જાઉં છું.' એમ કહી પેલો માણસ ત્યાંથી સહજ દૂર ખસ્યો. આવી અંધબાલા રાતના વખતે દરિયા ઉપર એકલી નાહી શી રીતે બહાર આવશે તે તેને સમજાયું નહિ. તેને શક પડ્યો રખે ને આ બાઈ આપઘાત કરે !

ખરે, બુલબુલ સાગરને ખોળે મોત માગતી હતો. પાણીનાં મોજાં વધતાં વધતાં આગળ આવતાં હતાં. તેનું ગર્જન તેને ઘણું પ્રિય લાગ્યું. ક્ષણમાં બે ક્ષણમાં સાગર આવી પોતાને ઝડપી જશે અને આ પાપમય, દુઃખમય જીવનનો અંત આવશે, એ વિચારથી તેનું મન સહજ પ્રફુલ્લ થયું.

એક મોજું આવી તેના પગને ભીંજવી ગયું. આનંદમાં તે ધીમે સ્વરે એક ગઝલની પંક્તિ ગાઈ ઊઠી :

તુજકો આના હો તો આ ચુક, અય અઝલ*[૧]!

સાગર સાથે ચાલતી આ રમત પેલો પુરુષ દૂર ઊભો ઊભો હતો તેની બુલબુલને ખબર નહોતી.


  1. મોત*