આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બુલબુલનો ભૂતકાળ : ૬૫
 

જતાં અશ્રુ કોઈએ રૂમાલ વતી લૂછ્યાં, અને આ નિરાધાર બાળાની આભારવૃત્તિ બમણી ઊછળી આવી. તેનાં આંસુ ખાળ્યાં ખળાયાં નહિ. તેની પાસે બેસી કોઈ રૂમાલથી ઘડી ઘડી તેનાં આંસુ લૂછતું હતું. બુલબુલથી રડાય એટલું તે રડી. તેને રડવા દીધી. કેટલી વારે તેનું હૃદય હલકું પડ્યું. તેનાં આંસુ ખૂટ્યાં અને છેવટે મોં ઉપર રૂમાલ ફેરવતા હાથને પકડી તેણે પોતાની છાતી સાથે દાબ્યો.

બુલબુલ ચમકી. તેના ગાલ ઉપર એક આંસુનું બુંદ ટપક્યું. છાતી ઉપર દબાવેલો હાથ તેને અતિશય કુમળો લાગ્યો. તેની ખાતરી થઈ કે તે કોઈ સ્ત્રીનો હાથ હતો.

‘તમે કોણ છો ?' બુલબુલે પૂછવું.

‘તારા જેવી જ એક ભાગ્યહીન અબળા.' પેલી સ્ત્રીએ જવાબ આપ્યો. હુંય તારી જ ન્યાતની છું.'

બુલબુલ પાછી ગભરાઈ. શું ફરીથી હું કોઈ પાપગૃહમાં આવી છું? તેને વિચાર આવ્યો.

'તમારું નામ શું ?'

'મારું નામ મેના !'

નામ ઉપરથી જ બુલબુલની ખાતરી થઈ કે પોતે પાછી એક કુટ્ટણખાનામાં ફસાઈ પડી છે. દયા ઊપજે એવા સ્વરે તેણે પૂછ્યું :

‘મને આંખ વગરનીને અહીં રાખી શું કરશો ?'

મેના સમજી ગઈ. તે હસી: ‘તારે બીજે ક્યાં જવા જેવું છે?'

'ના, મારું કોઈ નથી માટે તો હું મરતી હતી.'

'પછી અહીં જ રહે.'

'ફરી પાપમાં પડવા ?'

'નહિ. કરેલા પાપનો પશ્ચાત્તાપ કરવા.' મેનાએ જવાબ આપ્યો.

ટૂંક સમયમાં જ તેને જણાયું કે અહીં તો પાપમય જીવન ગાળતી એક નહિ પણ અનેક સ્ત્રીઓને આશ્રય મળેલો છે. તેને નવાઈ લાગી. માણસો પુણ્યદાન કરે છે, અપંગોને આશરો આપે છે, અનાથ બાળકોના આશ્રમો કાઢે છે. પરંતુ પાપમય જીવનમાં ફસાઈ પડેલી યુવતીઓને આશ્રય આપી નવીન જીવન ગાળવાની તક આપવાનું પુણ્ય જગતમાં કોઈ પણ લેતું હોય એમ તેને સ્વપ્ને પણ ખ્યાલ આવ્યો નહોતો. પૂણ્યનો એ માર્ગ જગતને હજી અજાણ્યો જ હતો. પતિત સ્ત્રીને પાળવી, તેના પતિત માર્ગમાંથી ખસેડવી, અને દેહ વેચી ગુજરાન કરવા કરતાં દેહની મહેનત વેચી ગુજરાન કરવાનો