આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬ : પત્રલાલસા
 

પ્રામાણિક રસ્તો બતાવવો એમાં પૂણ્ય છે એમ માનવાને પણ કોઈ તૈયાર નહોતું. કેટલીક જાતો અસ્પૃશ્ય હોય છે, તેમને અડકવાથી પાપ લાગે છે એમ મનાય છે. પરંતુ જગતના મોટા ભાગને વારંવાર સ્પર્શ કરતી આવી પતિત સ્ત્રીઓને જગતના નીતિમાન કહેવાતા પુરૂષો, સુધારકો અને આગેવાનો ઉચ્ચારને પણ પાત્ર ગણતા નથી. ! તો પછી તેમના તરફ દ્રષ્ટિ તો કરે જ કેમ ? અને દ્રષ્ટિ જ ન કરે તો તેમને ઉગારવાનો વિચાર પણ કેમ થાય ? ચાંડાળનો પડછાયો સુદ્ધાંત પડતાં સ્નાન કરવા સુધી ધર્મઘેલછાએ આપણી અસ્પૃશ્યપણાની ભાવનાને ખેંચી છે. પરંતુ શબ્દના ઉચ્ચાર માત્રથી જ અભડાઈ જવાય એવી કોઈ હીનભાગી સંસ્થા હોય તો તે ગણિકાની જ છે. તેના નામોચ્ચાર પછી જો નાહી શકાતું હોય તો નીતિમાન પુરુષ નાહી પણ નાખે અને પવિત્ર થાય !

અને છતાં તે પતિત સ્ત્રીઓના પણ હૃદય માનવહૃદય છે એ સહુ કોઈ ભૂલી જાય છે. જગતમાં નીતિમાન હોવાનો ગર્વ રાખનાર સ્ત્રીપુરુષો પોતાનાં અંતઃકરણ તપાસી જોશે ? સ્ખલન અને પતનમાંથી જ આગળ વધવાનો રસ્તો છે. જેને સ્ખલન નથી, જેને પતન નથી, તે મનુષ્ય નથી. અને આપણી દુનિયા-નીતિમાનોની દુનિયા તો મનુષ્યોથી જ વસેલી છે. નીતિમાન અને પતિત વચ્ચે બહુ તફાવત હશે ? નીતિમાનનાં સ્ખલન છૂપાં હોય છે, પતિતનાં સ્ખલન બહાર પડે છે. આ સિવાય બીજો વિશેષ તફાવત હોય તો તે નીતિમાન જાણે !

બુલબુલ અને બુલબુલના સરખી બીજી ઘણી પતિત સ્ત્રીઓને સન્માર્ગે ચઢાવવા, રોગનો ભોગ થઈ પડતી અટકાવવા, નિરાધાર બની ગયેલી સ્ત્રીઓને આશ્રય આપવા, અને ઉદ્યોગથી પોષણનું સાધન તેમને મેળવી આપવા માટે ચિતરંજને પતિત-આશ્રમો કાઢ્યા હતા : ચિતરંજનને તેની જ ઘેલછા લાગી હતી.

બુલબુલે પોતાની કથની બહુ જ કરૂણ ભાવથી સનાતનને કહી. તેનું હૃદય દ્રવી ગયું. ચિતરંજનની વિચિત્રતામાં કેટલો પરોપકાર સમાયો હતો તે હવે સમજી શક્યો અને છતાં વિચારમાં પડ્યો : 'જગતમાં કેટલી બુલબુલો સંજોગોનો ભોગ થઈ પડતી હશે ?'