આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
વ્યવહાર

બ્રહ્માંડ આ તો ગૃહ તાતનું છે !
આધાર સૌને સહુનો રહ્યો ક્યાં !
કલાપી

રફીકે કરેલો જખમ જલદી રૂઝાય એમ નહોતું. સનાતન બુલબુલની કથની ઉપર વિચાર કર્યો જતો હતો, અને ભલો નિશાળિયો મટી જગતનો અનુભવી બનતો હતો. ચિતરંજનની વિચિત્ર અને અનિયમિત રીતભાતથી તેને આનંદ થતો અને મેનાની સારવારથી તે પોતાનું ઘર પણ ભૂલી જતો.

બુલબુલે તેને રોજ ગાયન શીખવવા માંડ્યું. કંઠમાંથી સૂર કાઢવા એ કેટલું મુશ્કેલ છે તેની હવે તેને સમજ પડી. ભૂમિતિના સિદ્ધાન્તો રટવા એના કરતાં પણ રાગનું સ્વરૂપ રટવું તેને વધારે કપરું લાગ્યું. તે ગળામાંથી पનો સૂર કાઢવા જાય તો घ નીકળે. અગર સાતે સૂરમાંથી એકે સાથે ન મળે એવો જ કોઈ ધ્વનિ નીકળે. જે સહેલાઈથી અને સરળતાથી બુલબુલ ગાતી હતી તે સહેલાઈ અને સરળતાની પાછળ કેટલી મહેનત અને કેટલો અભ્યાસ સમાયાં હતાં તેનું તેને હવે ભાન થયું. તેની ખાતરી થવા લાગી કે સંગીત એ એક શાસ્ત્ર જ છે.

પતિતઆશ્રમની બીજી યુવતીઓ સાથે પણ તેને થોડો વધારે પરિચય થયો. અનીતિમાં ફસાયેલી, અનીતિથી કંટાળેલી અગર અનીતિનો માર્ગ ગ્રહણ કરવા તત્પર થયેલી અનેક સ્ત્રીઓનાં સંબંધમાં તે આવ્યો. તેની ખાતરી થઈ કે પાપીઓને પણ હૃદય હોય છે, અને તે હૃદય કદાચ જગતના શેઠ સદ્દગૃહસ્થો, શુષ્ક નીતિમાનો અગર દંભી ડાહ્યા પુરુષો કરતાં વધારે કુમળું હોય છે.

તેનો મિત્ર એક-બે વખત આવીને તેને મળી ગયો. સ્ત્રીઓથી ભરેલા ઘરમાં એક યુવાને રહેવું એ પાપમાં અચૂક પડવા જેવું છે એમ તેને લાગ્યું, અને સનાતનને તેણે પોતાનો અભિપ્રાય સ્પષ્ટપણે જણાવ્યો પણ ખરો.

ચિતરંજને એક વખત હાજર હતો. તેનો દેખાવ જોઈને પેલા મિત્રને લાગ્યું કે ખરેખર આ બદમાશની સોબતમાં સનાતન બગડતો જાય છે.