આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૂનાં સિંહાસનઃ ૭૩
 


'કયો દોસ્ત ? અને શું કરવા તે ચાલ્યો ગયો?' મંજરીને વાતમાં રસ પડ્યો હતો. ગમે તે રીતે સનાતનની ખબર મળી આવે તો સારું એ ઇચ્છાથી તેણે માલતીની સાથે તેના વરની વાત લંબાવ્યા કરી. બિચારી માલતી ! પોતાના પતિ સિવાય જગમાં બીજી મહત્ત્વની વસ્તુ હોઈ શકે નહિ એમ ધારી તે તેના ઝીણામાં ઝીણા સ્વભાવનું વર્ણન કરતી હતી. પરંતુ તેને ખબર નહોતી કે મંજરીનું ધ્યાન માલતીના પતિ કરતાં તેના દોસ્તની વાત તરફ વધારે વળતું હતું.

'મુંબઈમાં તે કાંઈ એક લાલચ હોય છે ? હજારો લાલચો !' માલતીએ જવાબમાં કહ્યું. 'એટલે મારા પતિની સાથે રહેતાં એને ફાવે ? એમનું કામ તો એવું કે નજર ઊંચી કરે જ નહિ.'

નજર પણ ઊંચી ન કરે એવા શુષ્ક પતિનાં વખાણથી મંજરીને કંટાળો આવ્યો. ચોખ્ખી વાત ન કરતાં હજારો લાલચની મોઘમ વાતથી મંજરીને સંતોષ થાય એમ નહોતું.

'શાની લાલચ ? અમથી ઘેલીઘેલી વાત કર્યા કરે છે ! અને તારો વર પણ એ લાલચમાં નહિ ફસાય એવું તું શા ઉપરથી કહે છે ?' મંજરીએ જણાવ્યું.

'એ કદી ફસાય જ નહિ ને ! હું એમને ન ઓળખું ?' પત્ની તરીકેનું અભિમાન માલતીમાં વ્યક્ત થયું. 'અને પાછી હું છું ને ? માટે જ મેં કહ્યું હતું કે પરણેલા હોય તે જ મુંબઈ રહી શકે.'

જગતમાં કેટલી માલતીઓને તેમના પતિ છેતરતા હશે ? દરેક પતિએ પોતાના હૃદય ઉપર હાથ મૂકી તેને તપાસી જોવાની જરૂર છે – અગર તપાસવાની જરૂર જ નથી. હાથ મૂક્યા સિવાય પણ હૃદય કહી આપે છે કે પત્નીની નજર આગળ રહેતો પતિ અને તેની નજર બહાર રહેતો પતિ એ બન્ને ભિન્ન વ્યક્તિઓ છે.

હશે !

'હજી મને સમજાયું નહિ. તું શું કહેવા માગે છે ?' મંજરીએ પૂછ્યું.

માલતીનું મુખ સહજ મલક્યું. ‘તું તો છે જ એવી !' કહી તેનું માથું પકડી પોતાની પાસે ખેંચ્યું. અને મંજરીના કાનમાં ધીમે રહીને કાંઈ વાત કરી. ઓરડો ખાલી હતો. ઘરમાં કોઈ સાંભળે એટલું પાસે નહોતું. છતાં બીતી બીતી - ચારે પાસ નજર નાખતી અને સહજ હસતી માલતીએ મંજરીના કાનમાં શી વાત કરી ?

મંજરી સહજ ગંભીર થઈ.