આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
અકસ્માતનાં પરિણામ


સૂનાં મંદિર, સૂનાં માળિયાં
ને મ્હારા સૂનાં હૈયાના મહેલ રે
સ્નેહધામ સૂનાં સૂનાં રે
નાનાલાલ

આજુબાજુએથી ખુરશીઓ અને ખાટલાઓ લઈ માણસો આવી પહોંચ્યા. જાગીરદારની પ્રતિષ્ઠા અને તેનો પૈસો આવી ચીજોને ખેંચી લાવે એમાં નવાઈ નથી. પરંતુ તે ઉપરાંત જાગીરદાર વ્યોમેશચંદ્રનો મળતાવડો - સહુને ઉપયોગી થઈ પડવાનો - સ્વભાવ પણ લોકોમાં તેને માટે સારી લાગણી ઉપજાવી શક્યો હતો. તેમાં આવો અકસ્માતનો પ્રસંગ બને ત્યારે તો જનહૃદયની કુમળી લાગણીઓ ખાસ આગળ તરી આવે છે. દુશ્મનને પણ ઘવાયેલો જોઈ હસનાર રાક્ષસો જગતમાં ભાગ્યે જ હશે ! રડતાને જોઈ રડવાનો હૃદયનો સ્વભાવ છે. માટે જ માનવી મનુષ્ય છે.

સહુએ મળી જાગીરદારને એક ખાટલા ઉપર સુવાડ્યા. નંદકુંવરે આગ્રહ કર્યો કે વ્યોમેશચંદ્ર પોતાને ઘેર આવવું, પરંતુ વ્યોમેશચંદ્ર બેવકૂફ ન હતો. માંદગીમાં પારકે ઘેર રહેવાથી સામા માણસને કેટલો ત્રાસ પડતો હશે તેનો તેને પૂરો ખ્યાલ હતો. તે કાંઈ દીનાનાથનો સગો નહોતો કે જે આધારે પોતે સારવારનો હક્ક ધરાવી તેમના ઘરમાં દર્દી તરીકે રહી શકે. ઉપરાંત પોતાની અનુકુળ આર્થિક સ્થિતિ હોવાથી તે પોતાના જ મકાનમાં સર્વ પ્રકારની સગવડ મેળવી શકે એમ હતું. પછી દીનાનાથને ત્યાં શા માટે રહે ?

નંદકુંવરને વ્યોમેશચંદ્ર ના પાડી.

‘ના, જી ! આપને ઘેર આવવાનું કારણ નથી. નકામી તકલીફ આપને પડે !'

‘અરે ! એ શું બોલો છો ? તકલીફ કેવી? માંદા માણસને ઘરમાં લઈ જવાય નહિ તો અમારો ખપ શો !' નંદકુંવરે કહ્યું.

'ઘેર બધી સગવડ છે, માણસોને પણ ત્યાં જ ફાવે. હું તો ઘેર જ