આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦: પત્રલાલસા
 

જોઈએ. છોકરીને પૈસે પોષણ પામવા કરતાં હિંદુ માબાપ મરવું વધારે પસંદ કરે છે.

મંજરીને પરણાવવાની ચિંતા ત્યાર પછી ઘણી જ વધી ગઈ. પરંતુ કોઈ સારો યુવક મળતો નહોતો. વ્યોમેશચંદ્રમાં કોઈ પણ રીતની ખામી ન હતી. તેઓ લક્ષ્મીવાન હતા. તેમની પ્રતિષ્ઠા ઘણી જ સારી હતી. તેઓ સ્વભાવે સુશીલ અને આનંદી હતા. તેમનું શરીર સુદ્રઢ હતું. અને તેમના ઘરમાં ગૃહિણીની ખાસ જરૂર આજકાલ દીનાનાથ જોઈ રહ્યા હતા.

કોણ જાણે કેમ પણ વ્યોમેશચંદ્ર તરફ મંજરીને જરા પણ ઉમળકો આવતો નહિ. તે સમજી શકતી હતી કે આ જાગીરદાર પોતાના તરફ કયા ભાવથી ખેંચાય છે. એટલે તે જાણી જોઈને તેના સંસર્ગમાં આવતી જ નહિ.

તેઓ ઘોડેથી પડી ગયા તે વખતે મનુષ્ય તરીકે ફરજ બજાવવા મંજરી ચૂકી નહિ, જાગીરદારને ઘોડે બેસતાં બહુ સારું આવડે છે એમ તે જઈ શકી. પોતે પડી ગયા હતા છતાં પોતાનો મર્તબો સાચવી રાખવાની વ્યોમેશચંદ્રની શક્તિ તેણે આશ્ચર્યથી જોઈ. ઘોડાને ફટકારવા તૈયાર થયેલા સાઈસને પડેલા વ્યોમેશચંદ્ર રોકતાં તેના હૃદયની ઉદારતા મંજરીને જરા ગમી.

છતાં વ્યોમેશચંદ્ર જાતે ગમતા નહિ !

તેમણે મોકલેલી નોટ તેણે જરાપણ સંકોચ વગર ફાડી નાખી હતી. વ્યોમેશચંદ્ર સંબંધી વાત નીકળતાં તેનો ઉત્સાહ ઓગળી જતો. પોતાનાં માબાપને મુખે તેમનાં વખાણ સાંભળવા છતાં તેના ઉપર એ વખાણની જરા પણ અસર થતી નહિ.

તે હજી સનાતનને ભૂલી નહોતી.

હજી દરરોજ પત્રની રાહ જોતી તે ઊભી રહેતી. સવારે તેનામાં ઉત્સાહ આવી જતો. જાણે આજે જરૂર કાગળ આવવાનો હોય એમ તે આશામાં ને આશામાં ફરતી. ટપાલનો વખત તે કદી ચૂકતી નહિ. બારીએ બેસી તે દરરોજ પત્રની રાહ જોતી હતી. ટપાલી આવી કાગળ નાખી જાય કે તરત દોડીને તે કાગળો ઊંચકી લેતી. જાણીતા અક્ષરવાળા કાગળો જોવાનું તે મુલતવી રાખતી, અને જે અજાણ્યો કાગળ આવે તે પ્રથમ ફોડતી. ફોડી વાંચતાં તે સદાય નિરાશ થતી.

'શું કોઈ દહાડોયે એમનો કાગળ નહિ આવે ?' અંતે નિસાસો નાખી તે બોલી ઊઠતી. ટપાલ પછી આખોય દિવસ તે લગભગ શોકમાં ગાળતી. હસવાનો, આનંદનો પ્રસંગ આવ્યે હસતી પણ ખરી, પરંતુ તેનાં સર્વ