આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અસ્થિર મનોદશાઃ ૯૧
 

કાર્યમાં શોકની છાયા જણાતી.

પાછું સવાર પડે એટલે કાગળની આતુરતામાં ટપાલીની રાહ એ જોતી બેઠી જ હોય ! આ તેનો નિત્યક્રમ હતો.

પ્રિયતમાનાં દર્શન માટે હૃદયને જેટલી વિકળતા થાય તેટલી જ વિકળતા પ્રિયતમના પત્ર માટે થાય છે એ કોણ નથી જાણતું ?

નંદકુંવરને એક દિવસ તાવ આવ્યો. મંજરી પોતાના રોજના ક્રમ પ્રમાણે પત્રની આશામાં નિરાશ થઈને બેઠી હતી એટલામાં વ્યોમેશચંદ્રની નાની છોકરી ઘરમાં આવી.

'ભાઈ દાદરેથી પડી ગયો છે. બોલાતું નથી અને બાપાજીથી તો ઉઠાતું નથી. મને બોલાવવા મોકલી છે.'

ઉપર મુજબ તેણે સંદેશો કહ્યો. નંદકુંવરથી તો ઉઠાય એમ નહોતું. દીનાનાથ ઘરમાં નહોતા. એકલી મંજરી જઈ સારવાર કરે એમ હતું. પરોપકારી માતાએ જરાપણ સંકોચ વગર મંજરીને છોકરી સાથે જવા જણાવ્યું. મંજરીને ઘણુંય અતડું લાગ્યું. આવી રીતે એકલા જવાનો તેને આ પ્રથમ પ્રસંગ હતો, અને સ્ત્રીના કુદરતી સ્વભાવ પ્રમાણે તેણે વ્યોમેશચંદ્રના ભાવ પરખી લીધા હતા. આથી તેને ઘણો સંકોચ સ્વાભાવિક રીતે થયો. પરંતુ આવા પ્રસંગોમાં એવાં કારણો બાજુએ મૂકવા પડે છે.

છોકરીની આંખમાંથી આંસુ વહેતાં હતાં. મંજરી તે ખમી શકી નહિ. મંજરીએ તેને પોતાની પાસે લીધી.

‘વેલી ! રડીશ નહિ. હું આવું છું હોં !'

કહી મંજરી તૈયાર થઈ. માંદી માતાને મૂકી ઓળખીતાને ત્યાં સારવાર કરવા મંજરી ચાલી.

વેલી મંજરીની આંગળીએ વળગી. છોકરી ઘણી વાતોડી હતી. તેણે ઘેર પહોંચતાં પહોંચતાં તો મંજરીની સાથે કંઈક વાતો કરી નાખી. આ નાની બાળકીના સ્મિત. ઉત્પન્ન કરે એવા પ્રશ્નો, તેનું સુંદર અજ્ઞાન, અને વાત કરવાની મીઠી રીતથી મંજરીને પણ તેના ઉપર મોહ ઊપજ્યો.

'તમે મને બહુ જ વહાલા લાગો છો.' વેલીએ વાતમાં જ મંજરીને જણાવ્યું. ‘તમારું મોં મને એવું ગમે છે !'

'એવું' શબ્દ ઉપર મૂકેલા ભારથી વેલીની પ્રમાણિક માન્યતા બહુ જ સ્પષ્ટ થઈ. મંજરી હસી.

‘મને તમારી પાસે રાખો તો ?' જવાબ આપતાં ગૂંચવાઈ જવાય એવો પ્રશ્ન વેલીએ પૂછ્યો.