આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વસ્તુઓ સુથારી મારફતે શીખવું, અથવા કાર્ડબોર્ડનું કામ કરનાર હોઉં તો એ કામ મારફતે શીખવું.

"આપણને ખરી જરૂર તો એવા કેળવણીકારોની છે તેમનામાં નવું સર્જવાની ને વિચારવાની શક્તિ હોય, સાચાં ઉત્સાહ અને ધગશ હોય, અને જેઓ રોજ રોજ વિદ્યાર્થીને શું શીખવવું એ વિચારી કાઢે એવા હોય. શિક્ષકને એ જ્ઞાન જૂનાં થોથાંમાંથી નહીં મળે. તેણે પોતાની નિરીક્ષણની ને વિચાર કરવાની શક્તિનો ઉપયોગ કરવાનો અને હાથ ઉદ્યોગની મદદ વડે જીભ મારફતે બાળકને જ્ઞાન આપવાનું છે. આનો અર્થ એ છે કે, શિક્ષણપધ્ધતિમાં ક્રાંતિ થવી જોઈએ, શિક્ષકની દૃષ્ટિમાં ક્રાંતિ થવી જોઈએ. અત્યાર સુધી તમે નિરીક્ષકો (ઇન્સ્પેક્ટરો)ના રિપોર્ટોથી દોરવાતા આવ્યા છો. નિરીક્ષકને ગમે એવું કરવાની ઇચ્છા તમે રાખી છે, જેથી તમારી સંસ્થામાટે તમને વધારે પૈસા મળે અથવા તો તમને પોતાને પગારમાં વધારો મળે. પણ નવો શિક્ષક એ બધાની પરવા નહીં કરે. તે તો કહેશે, "હું જો મારા વિદ્યાર્થીને વધારે સારો માણસ બનાવું ને તેમ કરવામાં મારી સર્વ શક્તિ વાપરી નાખું તો મેં મારું કર્તવ્ય કર્યું ગણાશે. મારે માટે એટલું બસ છે.

૨૬-૨-'૩૯

સ₀. - આ અધ્યાપન મંદિરમાં આવનારા શિક્ષક વિદ્યાર્થીઓને પહેલાં કંઈક ઉદ્યોગ અલગ શીખવવામાં આવે , અને પછી એ ઉદ્યોગ વાટે શિક્ષણ કઈ રીતે આપી શકાય તેનું સંગીન વિવરણ તેમની આગળ કરવામાં આવે, તો સારું નહીં? અત્યારે તો એમને એમ કહેવામાં આવે છે કે તમે પોતે સાત વરસના બાળક છો એમ કલ્પના કરો અને એકેએક વિષય ઉદ્યોગ વાટે ફરી શીખો. આ રીતે તો તેઓ નવી પધ્ધતિમાં નિષ્ણાત થાય ને કુશળ શિક્ષકો બને એને સારુ વરસો જોઈએ.

જ₀ - ના, વરસો નહીં લાગે. આપણે કલ્પના કરીએ કે, શિક્ષક જ્યારે મારી પાસે આવે છે ત્યારે તેને ગણિત, ઇતિહાસ અને બીજા વિષયોનું કામચલાઉ જ્ઞાન છે. હું એને કાર્ડબોર્ડની પેટીઓ બનાવતાં

૧૦૦