આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાંતતાં શીખવું છું. એ ઉદ્યોગ તે શીખે છે તે વખતે એ ઉદ્યોગ વાટે એ ગણિત, ઇતિહાસ અને ભૂગોળનું જ્ઞાન કેવી રીતે મેળવી શક્યો હોય તે હું તેને બતાવું છું.આમ પોતાના જ્ઞાનનું ઉદ્યોગ સાથે અનુસંધાન કેવી રીતે કરવું તે એ શીખે છે. એમ કરતાં એને લાંબો વખત લાગવો ન જોઈએ. બીજો દાખલો લો. ધારો કે હું સાત વરસના એક છોકરાની સાથે પાયાની કેળવણી આપનાર નિશાળમાં જાઉં છું. અમે બંને કાંતતાં શીખીએ છીએ, અને હું મારા બધા અગાઉના જ્ઞાનનું કાંતણની સાથે અનુસંધાન કરી લઉં છું. પેલા છોકરાને એ બધું નવે નવું છે. સિત્તેર વરસના પિતાને માટે એ બધી પુનરુક્તિ છે, પણ એ પોતાનું જૂનું જ્ઞાન નવા જડતરમાં ગોઠવશે. એ ક્રિયાને સારુ એને થોડાંક અઠવાડિયાંથી વધારે વખત ન લાગવો જોઈએ.આમ શિક્ષક સાત વરસના બાળક જેટલી ગ્રહણશક્તિ ને ઉત્કંઠા ન કેળવે તો અંતે કેવળ યાંત્રિક કાંતનારો જ બની જશે, અને એટલાથી એનામાં નવી પધ્ધતિનો શિક્ષક થવાની લાયકાત નહીં આવે.

સ₀ - મૅટ્રિક પાસ થનાર છોકરાને આજે કૉલેજમાં જવાની ઇચ્છા હોય તો તે જઈ શકે છે. જે બાળક પાયાની કેળવણીના અભ્યાસક્રમમાંથી પસાર થશે તે પણ એ પ્રમાણે કરી શકશે ખરો?

જ₀ - મેટ્રિક પાસ થનાર છોકરો અને પાયાની કેળવણીમાં થઈને પસાર થનાર છોકરો એ બેમાં બીજો વધારે સારું કામ બતાવી શકશે, કેમ કે એની શક્તિઓનો વિકાસ થયેલો હશે. કોલેજમાં જતી વખતે મેટ્રિક થયેલાઓને જેમ લાચારી લાગે છે તેમ એને નહીં લાગે.

સ₀ - પાયાની કેળવણીની યોજનામાં દાખલ થવાની ઉંમર ઓછામાં ઓછી સાત વરસની હોવી જોઈએ એમ કહેવામાં આવ્યું છે. એ ઉંમર કાલમર્યાદાથી માપવી કે માનસિક વિકાસથી?

જ₀- ઓછમાં ઓછી સરેરાશ ઉંમર સાતની હોવી જોઈએ. પણ કેટલાંક બાળકો એથી મોટી ઉંમરનાં અને કેટલાંક નાની ઉંમરનાં પણ હશે.શારીરિક તેમ જ માનસિક બન્ને પ્રકારની ઉંમરનો વિચાર કરવો રહે છે. એક બાળકનો સાત વરસની ઉંમરે એટલો શારીરિક વિકાસ થયો

૧૦૧