આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિશાળ રાખવી ન પોસાય. પણ મોટા ગામડાંમાં એક જ ઉદ્યોગ શીખવવો જોઈએ. પણ આને વિષે હું અવિચળ નિયમ ઘડવા નથી માગતો. આવી બાબતોમાં જેવો અનુભવ થાય તે પ્રમાણે ચલવું એ જ સારામાં સારો રસ્તો છે.જુદા જુદા ઉદ્યોગો વિદ્યાર્થીઓને કેટલા ગમે છે, વિદ્યાર્થીઓની શક્તિ કેટલી ખીલવી શકે છે, તેનું નિરીક્ષણ કરવું જોઈએ. કલ્પના એ છે કે, તમે જે ઉદ્યોગ પસંદ કરો તેમાંથી બાળકની શક્તિઓ પૂર્ણ અને સમાન પ્રમાણમાં વિકસવી જોઈએ. એ ઉદ્યોગ ગામઠી હોવો જોઈએ અને ઉપયોગી થવો જોઈએ.

સ₀ - બાળકનો મોટપણમાં ખરો વ્યવસાય જુદો જ થવાનો હોય તો તે સાત વરસના કોઈ હાથઉદ્યોગ શીખવામાં શા સારુ બગાડે? દાખલા તરીકે, શરાફનો છોકરો જે મોટપણે શરાફ થવાનો છે, તેણે સાત વરસ સુધી કાંતવાનું શા સારુ શીખવું જોઈએ?

જ₀ - આ સવાલ નવી શિક્ષણ યોજના વિષેનું ઘોર અજ્ઞાન પ્રદર્શિત કરે છે. પાયાની કેળવણીની યોજનામાં છોકરો નિશાળમાં કેવળ ઉદ્યોગ શીખવા જતો નથી. તે નિશાળમાં ઉદ્યોગ વાટે પ્રાથમિક કેળવણી મેળવવાને, પોતાના મનનો વિકાસ સાધવાને જાય છે. મારો દાવો એ છે કે, જે બાળકે સાત વરસનો પ્રાથમિક કેળવણીનો નવો ક્રમ પૂરો કર્યો હશે તે સામાન્ય નિશાળમાં સાત ભણેલા બાળકના કરતાં વધારે સારો શરાફ થઈ શકશે. સામાન્ય નિશાળમાં જનાર બાળક શરાફીની નિશાળમાં જશે ત્યાં તેને ગોઠશે નહીં, કેમ કે તેની બધી શક્તિઓ કેળવાઈ નહીં હોય. જે જૂના વહેમ ઘર ઘાલીને બેઠા હોય છે તે નીકળવવા મુશ્કેલ થઈ પડે છે. આ નવી શિક્ષણ યોજના એટલે થોડુંક અક્ષરજ્ઞાન અને થોડોક ઉદ્યોગ બેનું મિશ્રણ નથી એ કેન્દ્રવર્તી વસ્તુ હું તમારા મનમાં ઠસાવી ચૂક્યો હોઉં તો મારું આજનું કામ સફળ થયું ગણાશે. ઉદ્યોગ વાટે પૂરી પ્રાથમિક કેળવણી આપવી એ આ નવી યોજનાનું ધ્યેય છે.

સ₀ - દરેક નિશાળમાં એકથી વધારે ઉદ્યોગ શીખવવા એ સારું નહીં? આખું વરસ એકનો એક ઉદ્યોગ કરતાં બાળકોને કંટાળો આવવા માંડે એ સંભવિત છે.

૧૦૩