આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેળવાયેલા જુવાનોમાં પૂરતી દેશદાઝ ન જગવી શકે તો એ નિષ્ફળ જ નીવડવાની. અમારે ત્યાં એક લાભ છે. જેમને હિંદી ભાષાઓ મારફતે શિક્ષણ મળ્યું હોય છે, તેઓ કૉલેજોમાં દાખલ થઈ શકતા નથી. એમને આ યોજના આકર્ષક લાગે એવો પૂરેપૂરો સંભવ છે."

ह૦ बं૦, ૨૮-૮-'૩૮

૨૯
શ્રદ્ધા જોઈએ

[મધ્ય પ્રાંત અને વરાડની મ્યુનિસિપાલીટીઓ અને જિલ્લા લોકલ બોર્ડોના પ્રતિનિધિઓની એક પરિષદમાં ભાષણ આપવા ગાંધીજીને વિનંતી કરવામાં આવી હતી. પરિષદના એક સભ્યે ગાંધીજીને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે, “પાયાની કેળવણીની વર્ધા યોજનાથી દેશની આર્થિક અને રાજકીય પ્રગતિ કઈ રીતે થવાની ?” ગાંધીજીએ એમનું ભાષણ આ પ્રશ્નને ઉપાડી લઈને કર્યું. તેનો શ્રી મહાદેવભાઈ દેસાઈએ ‘વર્ધા યોજનામાં પહેલ’ એ મથાળેથી આપેલો અહેવાલ નીચે ઉતાર્યો છે. – સં૦]


તમે મને આ સવાલ પૂછ્યો છે તેથી હું રાજી થયો છું. ઇનો જવાબ આપતાં હું કહું કે , પ્રાથમિક કેળવણીની યોજના ઘડવામાં આ દેશની આર્થિક પ્રગતિનો કશો વિચાર કરવામાં આવ્યો ન હતો . દેશ પ્રાથમિક કેળવણી પાછળ જે પૈસા ખર્ચે છે તેનું તેને કશું જ વળતર મળતું નથી. ઊંચી કહેવાતી કેળવણીના ફળરૂપે શુક્લજી જેવા આંગળીને વેઢે ગણાય એટલા કુશળ રાજ્યકારભાર કલાવનારા મળે છે એટલા પરથી પ્રાથમિક કેળવણી પાછળ થતી પૈસાની બરબાદી વાજબી ઠરતી નથી. એથી તો ઊલટું, અંગ્રેજી પદવી કે અંગ્રેજી ભાષાના જ્ઞાન ધરાવનારા માણસો વિના હિંદુસ્તાનનો કારભાર ચાલી જ ન શકે એવા જે વહેમે આપણાં મનમાં જડ ઘાલી છે, તેનું જ દુઃખદપણે દર્શન થાય છે. સરકારી કેળવણી ખાતાના વડા અધિકારીઓએ કબૂલા કર્યું છે કે, પ્રાથમિક કેળવણીની અત્યારની પદ્ધતિમાં પૈસાનો પારાવાર દુર્વ્યય થાય છે, વિદ્યાર્થીઓમાંથી બહુ જ ઓછું પ્રમાણ ઉપલા વર્ગો સુધી પહોંચે છે, જે

૧૦૭