આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રધાનમંડળો પર ન રહેવો જોઈએ. તમે જે કામની યોજના કરી છે તેનો પાયો જો સંગીન હોય તો ગમે તેટલાં પ્રધાનમંડળો આવે કે જાય તોપણ તે કાયમ રહેશે. પણ એનો આધાર તમને તમારા કામને વિષે કેટલી શ્રદ્ધા છે તેના પર રહેશે. કૉંગ્રેસ જ્યાં લગી તેની સત્ય-અહિંસાની ટેકને વફાદાર રહેશે ત્યાં લગી તે ને તેનું કામ કાયમ રહેશે. મેં કૉંગ્રેસની સખત ટીકા કરી છે ને તેની ખામીઓ બતાવતાં દયા નથી રાખી. પણ હું એ જાણું છું કે, તે છતાં સરવૈયું કાઢતાં એના જમાપાસામાં ઠીક ઠીક બાકી રહે એમ છે.

એ બધાં ઉપરાંત તમને કહું કે, બધાનો આધાર તમારી શ્રદ્ધા ને તમારા નિશ્ચય પર રહેશે. તમારો સંકલ્પ હશે તો રસ્તો તો નીકળશે જ. આ યોજના અમલમાં મૂકવી જ છે એવો તમે મન સાથે દૃઢ નિશ્ચય કરશો તો એકેએક મુશ્કેલી દૂર થઈ જશે. માત્ર એ શ્રધા તે જીવતી શ્રદ્ધા હોવી જોઈએ. ઈશ્વરને વિષે શ્રદ્ધા હોવાનો દેખાવ તો હજારો લોકો કરે છે, પણ જો તેઓ જરા સરખો ભય આવી પડતાં ડરીને નાસી જાય તો એમની શ્રદ્ધા નિર્જીવ શ્રદ્ધા છે, જીવતી શ્રદ્ધા નથી. જીવતી શ્રદ્ધા માણસ્ને પોતાની યોજના પાર પાડવા માટે આવશ્યક જ્ઞાન અને સૂઝ આપે છે. તમે દરેક જણ એ શ્રદ્ધા તમારામાં હોવનો દાવો કરો છો એ જાણીને હું રાજી થાઉં છું. ખરેખર, એમ હોય તો તમારો પ્રાન્ત બીજા પ્રાન્તોને સુંદર દાખલો બેસાડશે.

ह० बं०, ૨૯-૧૦-'૩૯

૧૧૧