આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૦
‘વૌદ્ધિક વિષયો’ વિ૦ ઉદ્યોગ

શ્રી નરહરિ પરીખ લખે છેઃ

"ખાદી વિદ્યાલયોમાં તથા નઈ તાલિમની શાળાઓમાં 'બૌદ્ધિક વિષયો' એ શબ્દપ્રયોગ બહુ ખોટી રીતે થાય છે. અક્ષરજ્ઞાન અથવા પુસ્તકના વિષયો ચાલે તે બૌદ્ધિક વિષયો કહેવાય છે. અમુક વખત ઉદ્યોગ માટે છે અને અમુક બૌદ્ધિક વિષયો માટે છે, એમ બોલવામાં આવે છે. કેટલીક શાળાઓમાં તો એમ પણ બોલાય છે કે, અમારે બે કલાક ઉદ્યોગ કરવાનો હોય છે અને ત્રણ કલાક ભણવાનું હોય છે. ચોપડીઓ ચાલે ત્યારે જ જાણે ભણતર ચાલ્યું એમ મનાય છે. આ વિષે પણ આપ લખી તો ચૂક્યા જ છો, છતાં ફરી લખવાની જરૂર છે. ઉદ્યોગ કરતાં પણ બુદ્ધિ તો ખીલે જ છે. એટલે ઉદ્યોગ બૌદ્ધિક વિષય નથી એમ તો નથી જ. આ વિષે પણ આપ સ્પષ્ટતા કરો એ જરૂરનું છે."

શ્રી નરહરિની ફરિયાદ સાવ સાચી છે. અક્ષરજ્ઞાન બુદ્ધિનો વિષય નથી, એ સ્મરણશક્તિનો વિષય છે. પદાર્થનાં ચિત્રો ઓળખતાં શીખવું એ જેમ બુદ્ધિનો વિષય નથી, તેમ અક્ષરનાં ચિત્ર વિષે. પણ અક્ષરજ્ઞાનમાં અક્ષર ઓળખવા ઉપરાંત અર્થ સમાયેલો છે ખરો. અનેક વિષયોનાં પુસ્તકો વાંચવાં અને સમજવાં, એ પણ અક્ષરજ્ઞાનમાં સમાયેલું છે. એ જ રીતે ઉદ્યોગને વિષે સમજવું ઘટે છે. ઉદ્યોગજ્ઞાન એટલે માત્ર તે તે ધંધા શીખી લેવા એટલુંજ નહીં, પણ તે બધાંને લગતાં શાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. અને એમ સમાવેશ કરીએ એટલે બુદ્ધિનો વિકાસ તેમાં થાય છે એટલું જ નહીં, પણ અક્ષરજ્ઞાન કરતાં ઘણો વધારે થાય છે.અક્ષરજ્ઞાનમાં બુદ્ધિનો વિકાસ થવાને બદલે માત્ર સ્મરણ્શક્તિનો વિકાસ થાય છે, એમ આપણે હાઈસ્કૂલ અને કૉલેજમાંથી નીકળેલા સેંકડો વિદ્યાર્થીઓ વિષે કહી શકીએ છીએ. જ્યારે ઉદ્યોગના શાસ્ત્રજ્ઞાનને વિષે એવું દુષ્પરિણામ આવવાનો સંભવ જ નથી હોતો. તેથી આટલા

૧૧૨