આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કલાક અક્ષરજ્ઞાનના અને આટલા ઉદ્યોગના એવો ભેદ પાડી ઉદ્યોગોને ઉતારી પાડવાની પ્રથા દૂર થવી ઘટે. કેમ કે એ ભેદ ખોટો છે ને કેટલીક વાર નુકસાન કરે છે. વિદ્યાર્થીઓના મનમાં એ ભેદ ઠસે છે ત્યારે તેઓને ઉદ્યોગનો અણગમો પેદા થાય છે. અને વાચનનો મોહ ઉત્પન્ન થાય છે. આથી બન્ને બગડે છે. વાંચ વાંચ કરવાથી કંઈ બુદ્ધિનો વિકાસ નથી થતો. તેથી આંખ ને વિચારશક્તિ બન્ને બગડે છે. ઉદ્યોગનો અણગમો થતાં ઉદ્યોગનું જ્ઞાન ઉપર્ચોટિયું જ થાય છે.પ્રત્યેક વસ્તુ પોતાને સ્થાને શોભે છે. ઉદ્યોગના પૂર્ણ જ્ઞાનને સારુ વાંચવાની આવશ્યકતા રહે જ છે, અને તે તે અંગે જે વાંચવું પડે છે તે તો સમજપૂર્વક જ હોય. તેથી તેમાં નુકસાનનો અવકાશ નથી. જેને હું સમજાવી શકું તેનો તો પૂર્ણ વિકાસ હું ઉદ્યોગ દ્વારા જ સાધું. આનું નામ જ નઈ તાલિમ અથવા ખરી તાલિમ છે.એ એને કાળે આવશે જ.પણ દરમ્યાન ઉદ્યોગ અને અક્ષ્રરજ્ઞાનનો ભેદ તો મટવો જ જોઈએ. જેમ ગણિતનો, સાહિત્યનો ઇત્યાદિ વર્ગ હોય છે તેમ ઉદ્યોગનો વર્ગ. બધા કેળવણીના ભાગ સમજવા જોઈએ. ઉદ્યોગ કેળવણીના ક્ષેત્રની બહારનો વિષય છે એ ભ્રમણા ટળવી જોઈએ. એ ન ટળે ત્યાં લગી વિદ્યાર્થીનો વિકાસ અટકવાનો સંભવ છે.

ह૦ बं૦ ,પ-૪-'૪૨

૧૧૩