આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાખવાનું કારણ સામાન્યપણે એમનું વિચિત્ર વર્તન અથવા તો નાની નાની ચોરીઓ કરવાની વૃત્તિ હોય છે. કાચી કેદના સંચાલકોને આ છોકરાઓને સખણા રાખવાનું કામ વસમું લાગતું હતું. ઘણા છોકરા નાસી જતા તેમનો પીછો પકડવો પડતો, ને તેમને શોધીને પાછા કાચી કેદમાં લાવવા પડતા. શહેરની કોઈ પણ પ્રાથમિક કે માધ્યમિક શાળામાં તેમને મોકલી શકાય તેમ નહોતું, કેમ કે તેઓ રખેને નાસી જાય એવો ભય હંમેશાં રહેતો.છોકરાઓનાં શરીર અને મનને કંઈક અનુકૂળ કામમાં રોકાયેલાં રાખવાનો કોઈ તરીકો વસાહતના અધિકારીઓને સૂઝ્યો ન હતો.

"ચરખા સંઘે એક શિક્ષક મોકલ્યો. તેણે છોકરાઓને શીખવવાનું કામ સાડા ત્રણ મહિના કર્યું છે.રૂ સાફ કરીને પીંજવાનું ને કાંતવાનું કામ આંધ્ર પધ્ધતિએ ચાલે છે. ચૌદ અને સોળ વરસની વચ્ચેના મોટા છોકરાઓને આ વર્ગમાં લીધા છે. દરેક છોકરો રોજનું ૨૫થી ૩૦ આંકનું ૧,૨૦૦થી ૧,૫૦૦ વાર સૂતર કાંતે છે. કાચી કેદના સંચાલક મને જણાવે છે કે, છોકરાઓ કંઈક મહેનતાણું મેળવીને નિયમિત કામ કરતા થયા ત્યારથી તેમનાં વર્તન અને રીતભાતમાં ઘણો સુધારો થયો છે. મિસ બ્રિસ્કોના કાગળમાં તેનું વર્ણન આપેલું હોઈ તે વાંચવા જેવું છે.એમાં મારે કશું ઉમેરવાનું નથી.એ કાગળ હુ આ સાથે મોકલું છું." મુખ્યાધ્યાપિકા મિસ બ્રિસ્કોનો રસપ્રદ કાગળ આ રહ્યોઃ

"અમારી પ્રમાણિત શાળામાં અમે જે કાંતણકામ ચલાવી રહ્યાં છીએ તેને વિષે મારે આપને લખવું તેવી માગણી ચરખા સંઘે કરી છે.

"૧. અમે ૧૯૪૦ના જાન્યુઆરીની ૧૫મીએ કાંતણ વર્ગ શરૂ કર્યો.

"૨. એમાં લીધેલા છોકરા ચૌદથી સોળ વરસના છે, ને તેમને આ કામમાં આટલો રસ પડતો લાગે છે તે જોઈને અમને વિસ્મય થયું.

"૩. પહેલાં તો નવરા બેસી રહેતા, કેમ કે કંઈ પણ ખરચાળ ઉદ્યોગ શરૂ કરવાનું અમને પરવડતું નહોતું. હવે તો મોજ કરે છે ને કામમાં રોકાયેલા રહે છે, ને એમને નાસી જવાનું મન થતું નથી.

"૪. તેઓ રોજના પાંચેક કલાક કામ કરીને માથા દીઠ બેથી સવાબે આના કમાય છે. આ કાંતણકામ શરૂ કરવાને જે પૈસા ખાનગી રીતે ધીરવામાં આવેલા, તે તેઓ ભરપાઈ કરી આપે છે. થોડાક પૈસા તેમના હાથમાં અપાય છે ને બાકીના તેમના ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી કાચી કેદમાંથી બહાર જતી વખતે તેમની પાસે

૧૨૧