આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૭
મ્યુનિસિપાલિટીઓ અને પ્રાથમિક કેળવણી

[મ્યુનિસિપલ કોયડા’ એ પ્યારેલાલના લેખમાંથી]

મ્યુનિસિપાલિટી અને લોકલ બોર્ડની શિક્ષણ પ્રવૃત્તિ વિષે પ્રશ્નો પુછાયા ત્યારે ખેડા જિલ્લાના એક ભાઈએ ફરિયાદ કરતાં કહ્યું : લોકલ બોર્ડ તરફથી ચાલતી પ્રાથમિક નિશાળમાં વર્ધાની યોજના દાખલ કરવાનું અમને તો બહુ ગમે. લોકલ બોર્ડે એ માટે રાજી છે. પણ ઇસ્પેકટરો અને કેળવણી ખાતાના મોટા અમલદારો હજુ જૂની ઘરેડમાં જ ચાલવા માગે છે. તેમને વધુયોજનાના સિદ્ધાંત વિષે આસ્થા પેદા થઈ નથી. આ મુસીબત અમારે કેવી રીતે દૂર કરવી ?”

ગાંધીજી : “એથી મને આશ્ચર્ય નથી થતું. કેળવણી ખાતાના મોટા અમલદારોને વયોજના વિશે એકદમ આસ્થા બેસી જાય તો મને આશ્ચર્ય થાય ખરું. એ આસ્થા તો અનુભવે આવશે. તે દરમ્યાન હું એટલું જ કહી શકું કે જયાં ઇચ્છા હોય ત્યાં રસ્તો નીકળે છે. કેળવણી ખાતાના પ્રધાન કેળવણી ખાતાના વડાને વર્ધાયોજનાનો અમલ કરનાર સંસ્થાઓને બનતી મદદ કરવાનું ફરમાન આપે એમાં કશી કાયદાની મુશ્કેલી હોય એમ હું નથી માનતો. મધ્ય પ્રાંતના પ્રધાનમંડળને કેળવણી ખાતા પાસે ધાર્યું કરાવવા કશી મુસીબત આવી નથી. પણ કંઈ કાયદાની મુશ્કેલી દેખાઈ આવે તો તેનો કાયદેસર ઇલાજ થઈ શકે એમ છે.”

સ૦ – “આપણી પ્રૌઢશિક્ષણની યોજનાઓમાં ધ્યેય અક્ષરજ્ઞાનનો પ્રચાર કરવાનું હોવું જોઈએ કે ‘ઉપયોગી જ્ઞાન’ આપવાનું? સ્ત્રીઓની કેળવણીનું શું ?”

ગાંધીજી : “જેઓ આધેડ વયના થયા છે ને કંઈક ધંધો કરે છે તેમને મુખ્ય જરૂર વાંચતાંલખતાં શીખવાની છે. જનસમૂહની નિરક્ષરતા

એ હિંદુસ્તાનનું પાપ છે, શરમ છે, અને તે દૂર કરવી જ જોઈએ.

૧૨૭